5 નવા અંડરપાસ અને 115 કિ.મી. ટ્રેક પર અઈં આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમને મંજૂરી: રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીનો સવાલ
(ફૂલછાબ
ન્યુઝ)
અમદાવાદ,
તા.6 : ગિરના જંગલમાં એશિયાટિક સિંહોના રેલવે અકસ્માતો રોકવા માટે કેન્દ્ર સરકાર હવે
આધુનિક ટેકનોલોજીનો સહારો લઈ રહી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં
આવેલા પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સિંહોની સુરક્ષા
માટે ગિરમાં વધુ 5 નવા અંડરપાસ બનાવવામાં આવશે અને 115 કિ.મી. લાંબા રેલવે ટ્રેક પર
એઆઇ આધારિત સિસ્ટમ લાગુ કરાશે. લોકો પાઇલટ્સ, સ્ટેશન માસ્ટર્સ અને કંટ્રોલ રૂમને રેલવે
ટ્રેકની નજીક સિંહોની મૂવમેન્ટ વિશે એલર્ટ જનરેટ કરવા આ સિસ્ટમ બનાવાઈ છે, જેથી અકસ્માતોની
રોકથામની કામગીરી હાથ ધરી શકાય.
રાજ્યસભાના
સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા એક પ્રશ્નના જવાબમાં રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ
એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યા મુજબ, ગીર જંગલ વિસ્તારમાંથી
પસાર થતું હાલનું રેલવે નેટવર્ક મીટરગેજ સેક્શન છે. આમાંના ઓળખાયેલા સિંહોની મૂવમેન્ટવાળા
કોરિડોરમાં વન્યજીવોની સલામતી માટે ટ્રેનો ધીમીગતિએ દોડાવાય આવે છે. રેલવે અને વન વિભાગ
વચ્ચે સંકલન માટે, સમીક્ષા સમિતિઓ એટલે કે સર્કલ લેવલ કમિટી, ડિવિઝનલ લેવલ કમિટી અને
રેન્જ લેવલ કમિટીની સ્થાપના કરાઈ છે. આ કમિટીઓની બેઠકો અનુક્રમે ત્રિમાસિક, દ્વિમાસિક
અને માસિક ધોરણે યોજાય છે.
નથવાણીએ
જાણવા માગતા હતા કે એશિયાટિક સિંહોના રક્ષણ માટે ગિર જંગલમાં એલિવેટેડ રેલ કોરિડોર
બનાવવાની સરકારની કોઈ યોજના છે કે કેમ; અને જો હોય તો, તેના શક્યતાદર્શી અભ્યાસ, ફન્ડિંગ
અને અપેક્ષિત પૂર્ણાહૂતિની સમયરેખાની વિગતો સહિત આ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ શું
છે. આ ઉપરાંત તેમણે રેલ કોરિડોર નજીક ગિરના સિંહોની સલામતી માટે અન્ય સંબંધિત પ્રશ્નો
પૂછ્યા હતા.