નવી દિલ્હી, તા.પ : 8મા પગાર પંચ અંગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકારી કર્મચારીઓ બજેટમાં આ અંગે કોઈ મોટી જાહેરાતની અપેક્ષા રાખતા હતા પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. હવે ડીએમાં વધારાને લઈને અલગ અલગ સમાચાર આવી રહ્યા છે.
ફુગાવાના
આંકડા અનુસાર આ વખતે મોંઘવારી ભથ્થું (ડીએ) અને મોંઘવારી રાહત (ડીઆર)માં ફક્ત 2%નો
વધારો થવાની ધારણા છે. આ દર 58%થી વધીને આશરે 60% થશે. આ વધારો જાન્યુઆરીથી જૂન
2026ના સમયગાળા માટે હશે અને હોળી પહેલા માર્ચ 2026 ના પહેલા કે બીજા અઠવાડિયામાં કેન્દ્રીય
મંત્રીમંડળ દ્વારા તેને મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે. 7મા પગાર પંચના અંત (31
ડિસેમ્બર, 2025) પછી આ વધેલો ડીએ પહેલી વાર લાગુ કરવામાં આવશે.
લેબર
બ્યુરોએ ડિસેમ્બર 2025 માટે ઔદ્યોગિક કામદારો માટે ઓલ-ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ
(સીપીઆઈ આઈડબલ્યુ) જાહેર કર્યો છે જે 148.2 પોઈન્ટ પર સ્થિર રહ્યો છે. આ અંતિમ ડેટા
પોઇન્ટ સાથે જાન્યુઆરી 2026 માટે ડીએ ગણતરી હવે બંધ થઈ છે. 2% ડીએ વધારો સામાન્ય નથી.
કર્મચારીઓએ છેલ્લે જુલાઈ 2018 અને જાન્યુઆરી 2025માં આટલો ઓછો વધારો જોયો હતો.