ફોર્મમાં ખોટી સહીઓ, બોગસ મોબાઈલ નંબર અને EPIC નંબરોમાં ચેડાં !
રાજકોટમાં
મતદાર યાદીમાં થયેલી મોટી ગેરરીતિઓના સજ્જડ પુરાવા કોંગ્રેસે રજૂ કર્યા
વિપક્ષના
મજબૂત વિસ્તારોમાં બોગસ નામો ઉમેરવાનું અને સાચા મતદારોના નામ કાપવાનું વ્યવસ્થિત કૌભાંડ
: કોંગ્રેસ
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.6 : રાજ્યભરમાં એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા વિવાદોના
વમળમાં ફસાઈ છે. ગામે ગામથી ખોટા નામ કમી થવા મામલે વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે હવે
આ વિવાદ વધુ વકર્યો છે. સમગ્ર રાજકોટ શહેરમાં શંકાસ્પદ રીતે નામ કમી કરવાના ‘બલ્ક ફોર્મ-7’
ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જેમાં એસસી, ઓબીસી અને લઘુમતી વિસ્તારોના
મતદારોના નામ કાપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ફોર્મમાં ખોટી સહીઓ, બોગસ મોબાઈલ નંબર
અને એપીક નંબરોમાં ચેડાં કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઇલેક્શન
કમિશનના નિયમો મુજબ જથ્થાબંધ (બલ્ક) ફોર્મ સ્વીકારવા પર મનાઈ હોવા છતાં, તંત્ર દ્વારા
આ ફોર્મ કેવી રીતે સ્વીકારાયા તે મોટો પ્રશ્ન છે. આ સાથે એસઆઈઆર પ્રક્રિયાની પારદર્શીતા
પર પ્રશ્ન ઉઠી રહ્યાં છે.
રાજકોટમાં
એસઆઈઆરની કામગીરી દરમિયાન જિલ્લાની મતદારયાદીમાંથી ચોક્કસ કોમના 27300 મતદારોના નામ
કમી કરવાનો કારસો હોવાના પુરાવા સાથે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રાજકોટમાં
મતદાર યાદીમાં થયેલી મોટી ગેરરીતિઓનાસ સજ્જડ પુરાવા કોંગ્રેસે રજૂ કર્યા છે. જેમાં
નામ મહિલાનું હોય અને ફોટો પુરુષનો હોય, ધારાસભ્યના પારિવારિક સભ્યનું નામ અન્ય વોર્ડમાં
ઘુસાડયાનો ધડાકો થયો છે. જેથી હવે વહીવટી મામલાએ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું હોય
તેવું જણાઈ આવે છે. આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં
આવે છે તે જોવું રહ્યું.
રાજકોટ
શહેર કોંગ્રેસના અગ્રણી નેતા વશરામ સાગઠિયાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, સત્તાધારી
પક્ષ દ્વારા પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે વિરોધ પક્ષના મજબૂત વિસ્તારોમાં બોગસ નામો
ઉમેરવાનું અને સાચા મતદારોના નામ કાપવાનું વ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
વોર્ડ નંબર 15ના ભાગ નંબર 237માં વોર્ડ નં 18ના રહેવાસી મનુભાઈ નાથાભાઈ કાનગડનું નામ
દાખલ કરવામાં આવ્યું છે. વિનોદનગરમાં ફક્ત અનુસૂચિત જાતિના લોકો જ રહે છે, ત્યાં આહીર
સમાજના વ્યક્તિનું નામ ક્યાંથી આવ્યું ? આ નામ ધારાસભ્ય ઉદય કાનગડના પરિવારના સભ્યનું
છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણી વખતે જ આ નામ અહીં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, જે સ્પષ્ટ
કરે છે કે ચૂંટણી જીતવા માટે કેવા પ્રકારના ચેડાં કરવામાં આવે છે.
સાગઠીયાએ
અન્ય એક પુરાવો રજૂ કરતા જણાવ્યું કે, વિનોદનગરમાં રહેતા દયાબેન ગાવિંદભાઈ સાગઠિયાના
નામ સામે મતદાર યાદીમાં કોઈ પુરુષનો ફોટો લગાવી દેવામાં આવ્યો છે. આવી અનેક ભૂલો અને
જાણી જોઈને કરવામાં આવેલી ગેરરીતિઓથી મતદાર યાદીની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા થયા છે.
જો આ બોગસ નામો દૂર કરવામાં નહીં આવે અને સાચા મતદારોના હકનું રક્ષણ નહીં થાય તો કોંગ્રેસ
આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.