• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

જામનગરમાં પણ વિરોધની ભીતિએ ‘હું નથુરામ ગોડસે’ નાટકનો શો રદ

રાજકોટમાં શનિવારે કોંગ્રેસના કાર્યકરોએ હેમુ ગઢવી હોલમાં ધસી જઈ કરી હતી તોડફોડ

 

રાજકોટ, જામનગર, તા. 8: હું નથુરામ ગોડસે નામના નાટકનો શો આજે જામનગરમાં ટાઉનહોલમાં યોજાવાનો હતો. જોકે આ નાટકનો શો રજુ થયા પહેલા જ રદ થયો હતો. આયોજકોએ આ નાટકનો વિરોધ થવાની ભીતિએ શો રદ જાહેર કર્યો હતો. નોંધનીય છે કે ગઈકાલે રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં આ નાટક ભજવાઈ રહ્યું હતું ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ધસી જઈ તોડફોડ કરી શો રદ કરાવ્યો હતો.

જામનગરના ટાઉનહોલમાં આજે ગોડસેનું નાટક યોજાવાનુ હતું પરંતુ ગઈકાલે રાજકોટમાં આ નાટકનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે જામનગરના કોર્પોરેટર રચના નંદાણીયાએ કોંગ્રેસી અને ગાંધી વિચારધારા ધરાવતા તમામ લોકોને આહ્વાન કર્યું હતું કે જામનગરમાં પણ વિરોધ કાર્યક્રમ યોજી આ નાટક થવા દેવું જોઈએ નહીં. આ ભીતિને ધ્યાન રાખી નાટકના ઓર્ગેનાઇઝરો દ્વારા નાટકને રદ કરી દેવામાં આવ્યું હતું.

 બીજી તરફ સાંજના સુમારે ટાઉનહોલ ખાતે કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા. હાથમાં પોસ્ટર્સ-બેનર્સ અને

ગાંધીજીની તસવીર લઈને તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા, ગોડસે વિચારધારા બંધ કરો, એવી માગ કરી હતી.

અનિચ્છનીય ઘટના ન બને તે માટે ટાઉન હોલના ગેટને કોર્પોરેશનના સત્તાધીશોએ તાળું મારી દીધું હતું તેમજ પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રાલિંગની ડ્રાઇવ ચલાવવામાં આવી હતી ત્યારે આ નાટક રદ થતાં કોંગ્રેસીઓએ નાટક રદ થવાની ખુશી વ્યક્ત કરી ટાઉનહોલના ગેટ ઉપર એકબીજાને પેંડા ખવડાવી અને ઉજવણી કરી હતી.

 આ શો રજુ થાય તે પહેલા જામનગરના કોર્પોરેટર રચના નંદાણીયાએ એક વિડીયોના માધ્યમથી કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ ગાંધી વિચારધારાને માનતા લોકોને આ નાટકનો વિરોધ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ગોડસેએ ગાંધી બાપુની હત્યા કરી હતી. હું જામનગરની જનતાને કહું છું કે આ કોંગ્રેસ દ્વારા નહી પરંતુ ગાંધી વિચારધારાને માનતા હોય તો ટાઉન હોલમાં ભજવવામાં આવનાર આ નાટક જોવા કોઈ જશો નહી. આપણે કોઈ ન્યુસન્સ ફેલાવું નથી. જે લોકો વર્ષોથી ગાંધીજીને માને છે, ગાંધીજીની વિચારધારા પર ચાલે છે તે જનતાને અપીલ છે કે આ કાર્યક્રમને ધાર્મિક ગીતો ગાઈને વિરોધ કરવો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઊંઝામાંથી ત્રણ કરોડના જીરૂની ચોરીમાં હાઇ કોર્ટનો વકીલ સૂત્રધાર February 09, Mon, 2026