ઈરાનમાં સત્તાપલટાનાં ઈરાદે ઈઝરાયલ, અમેરિકા ત્રાટક્યા : ઈરાનનાં રાષ્ટ્રપતિ ભવનથી માંડીને ખામેનીનાં કાર્યાલયને નિશાન બનાવવાનાં પ્રયાસ
વીફરેલા
ઈરાને જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલ ઉપરાંત બહેરીન, યુએઈ, કતાર, સાઉદી, જોર્ડન અને કુવૈતમાં
અમેરિકી સૈન્ય મથકોને બનાવ્યા નિશાન: ખાડી દેશોમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ઉડતાં ધૂળ અને
ધુમાડાનાં ગોટા
નવી
દિલ્હી,તા.28: મધ્યપૂર્વમાં તાજેતરનાં વર્ષોની સૌથી ગંભીર સૈન્ય કટોકટી પેદા થઈ ગઈ
છે. ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ મુદ્દે તનાવની સ્થિતિમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટનાં
સિલસિલાનો આજે જેની આશંકા હતી તેવી ભયાનક રીતે અંત આવી ગયો છે. ઈઝરાયલ અને અમેરિકાએ
મળીને આજે રાજધાની તેહરાન સહિત ઈરાનનાં અનેક શહેરોને ખળભળાવી મૂકતા ભયાનક મિસાઈલ હુમલો
બોલાવી દીધો હતો. જેમાં ઈરાનનાં રાષ્ટ્રપતિ ભવનથી માંડીને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા
અલી ખામેનીનાં કાર્યાલયને પણ નિશાન બનાવીને ખુડદો બોલાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો
હતો. ઈરાને મિનાબની એક શાળા ઉપર મિસાઈલ ત્રાટકતા બાવન લોકોનાં મૃત્યુ થયાનો દાવો કર્યો
હતો. મીડિયાનાં અહેવાલોમાં ઈરાનનાં રક્ષામંત્રી અને ઈરાની સેનાનાં એક ટોચનાં કમાન્ડરનું
મોત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘાતક પ્રહાર પછી ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનમાં
સત્તા પરિવર્તન માટે ખામેનીને નિશાન બનાવવા માટે હુમલો કર્યો હોવાનું જાહેર કર્યું
હતું. બીજીબાજુ વાટાઘાટ ચાલુ હતી ત્યારે અધવચ્ચેથી જ થયેલા આ હુમલાથી ભડકીને વીફરેલા
ઈરાને પોતાનાં અસ્તિત્વનો સવાલ માથે આવીને ઉભો હોય તેવી રીતે જવાબી કાર્યવાહી શરૂ કરી
નાખી હતી. ઈરાને પહેલા તો ઈઝરાયલ ઉપર 70 મિસાઈલ દાગીને ભીષણ જવાબી કાર્યવાહી કરી હતી.
જેમાં તેલઅવીવ, જેરુસલેમ, હાઈફા અને શેફલ્લાહ જેવાં શહેરોને ટાર્ગેટ કરવામાં આવ્યા
હતાં. ઈઝરાયલને ત્રણ મોરચેથી ઘેરીને કરવામાં આવેલા આ હુમલામાં હુથી અને હિઝબુલ્લાહ
પણ ઈરાનનાં ટેકામાં ઈઝરાયલ ઉપર ત્રાટક્યા હતા. જો કે, આ હુમલા પછી મધ્યપૂર્વની હાલત
બદથી બદતર બનવા તરફ ધસી ગઈ હતી. ઈરાને ઈઝરાયલને જ નિશાન બનાવીને અટકી જવાને બદલે એક
ડગલું આગળ વધીને આઠ ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ ઉપર હલ્લો બોલાવી દીધો હતો.
બહેરીન, યુએઈમાં અબુ ધાબી, કતારમાં દોહા, સાઉદી અરબનાં રિયાદ, જોર્ડન અને કુવૈતમાં
અમેરિકી સૈન્ય મથકો ઉપર શ્રેણીબદ્ધ મિસાઈલ મારો ચલાવીને હાહાકાર મચાવી દીધો હતો. આમ,
હવે આ યુદ્ધ અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ નહીં રહેતા ખાડી યુદ્ધમાં ફેરાવાઈ
ગયું છે. મધ્યપૂર્વના દેશોએ ધડાધડ પોતાનાં હવાઈ ક્ષેત્રોને બંધ કરી નાખ્યા હતા અને
પોતાના નાગરિકોને સાવધાની વર્તવાની ચેતવણીઓ જારી કરી દેવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય
સ્તરે હિલચલ
અમેરિકા
અને ઈઝરાયલનાં ઈરાન ઉપર આક્રમણ બાદ રશિયાએ પ્રથમ પ્રતિક્રિયા આપતાં અમેરિકાને હુમલા
રોકીને કૂટનીતિથી વિવાદો ઉકેલવાની સલાહ આપી હતી. કોલમ્બિયા અને પાકિસ્તાને આ હુમલાને
વખોડી કાઢ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ આ હુમલા માટે અમેરિકાનું સમર્થન કર્યુ હતું.
ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી બનેલા ઓમાને આ સ્થિતિને વિશ્વ શાંતિ માટે ખતરાજનક
ગણાવી હતી. નોર્વેએ ઈઝરાયલનાં હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ લેખાવ્યો હતો.