• રવિવાર, 01 માર્ચ, 2026

આજે ભારત અને વિન્ડિઝ વચ્ચે ખરાખરીનો મુકાબલો

હારનારી ટીમ થશે બહાર, વિજેતાની સેમિફાઈનલમાં એન્ટ્રી : 7 વાગ્યાથી શરૂ થશે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મેચ

નવી દિલ્હી, તા. 28 : ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમનો મુકાબલો આવતીકાલે રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામે થવાનો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં થનારો આ મુકાબલો કોઈ નોકઆઉટ મેચથી ઓછો રહેશે નહીં કારણ કે આ મેચ જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચી જશે. જ્યારે હારનારી ટીમની સફર વર્તમાન ટૂર્નામેન્ટમાં ખતમ થઈ જશે. આ કારણે બન્ને ટીમ દ્વારા મેચ જીતવા માટે પુરતો પ્રયાસ કરવામાં આવશે અને આ કારણે મેચ રોમાંચક રહેવાની પૂરી સંભાવના છે.

ભારતીય ટીમનો ટી20મા વેસ્ટ ઈન્ડિઝ ઉપર દબદબો રહ્યો છે. બન્ને ટીમ્સ વચ્ચે જે 30 મુકાબલા રમાયા છે. તેમાંથી 19મા ભારતે જીત મેળવી છે જ્યારે 10 મુકાબલા વેસ્ટ ઈન્ડિઝે જીત્યા છે અને એક મેચનું પરિણામ આવ્યું નથી. જો કે વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનું પલડું ભારત સામે ભારે રહ્યું છે. બન્ને ટીમ વચ્ચે અત્યારસુધીમાં ટી20 વિશ્વકપમાં ચાર મુકાબલા રમાયા છે. જેમાં વિન્ડિઝ 3-1થી આગળ છે. ખાસ કરીને 2016નો સેમિફાઈનલ મુકાબલો યાદગાર રહ્યો હતો.

ટી20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ પહેલી વખત 2009મા આમનેસામને આવી હતી. જેમાં ભારતીય ટીમ 153-7નો સ્કોર કરી શકી હતી. જવાબમાં બ્રાવોએ 66 રન કરીને વિન્ડિઝને સાત વિકેટે સરળ જીત અપાવી  હતી. 2010મા બ્રિજટાઉનના મુકાબલામાં ક્રિસ ગેલના વિસ્ફોટક 98 રનની મદદથી વિન્ડિઝે 169 રન કર્યા હતા જ્યારે ભારતીય ટીમ 155 રન સુધી જ પહોંચી શકી હતી.

2014મા વિન્ડિઝ સામે ભારતને પહેલી અને એકમાત્ર જીત મળી હતી. મીરપુરના મુકાબલામાં ભારતે વિન્ડિઝનો સ્કોર 129-7એ રોકી લીધો હતો. બાદમાં કોહલી અને રોહિતની યાદગાર ભાગીદારીથી સાત વિકેટે મેચ જીતી લીધો હતો.

સૌથી ચર્ચિત મુકાબલો 2016મા મુંબઈમાં રમાયો હતો. ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 192 રન કર્યા હતા જ્યારે ચેઝમાં વિન્ડિઝ તરફથી સિમંસે 82 રનની ઈનિંગ રમીને મેચનું વલણ બદલી નાખ્યું હતું. આ મેચ વિન્ડિઝે સાત વિકેટે જીત્યો હતો. બાદમાં ઈંગ્લેન્ડને હરાવીને વિન્ડિઝે ખિતાબ જીત્યો હતો.

ચાર મેચમાં ત્રણ હારનો  રેકોર્ડ બતાવે છે કે ટી20 વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝે ઘણી વખત ભારતનો રસ્તો રોક્યો છે. તેવામાં આ વખતે ભારતીય ટીમ વધારે સચેત થઈને વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરશે અને ઈતિહાસ ભૂલીને સેમિફાઈનલમાં પહોંચવાના લક્ષ્ય માટે પુરતી કવાયત કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક