મોઝતબા ખામેનેઈએ કહ્યું, ઈરાન શહીદો અને યુદ્ધમાં માર્યા ગયેલાં બાળકોનો બદલો લેશે અને અમેરિકી છાવણીઓ ઉપર હુમલા થતાં રહેશે
ઈઝરાયલે
ઈરાનનાં પરમાણુ મથક ઉપર હુમલો કર્યાનો દાવો
તેહરાન,
તા. 12 : મધ્ય પૂર્વમાં ચાલી રહેલું ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે નિર્ણાયક
અને વિનાશકારી વળાંકે પહોંચી ગયું છે. ગુરુવારે બન્ને તરફથી ભારે હુમલા થયા હતા. આ
દરમિયાન ઈરાને દાવો કર્યો હતો કે, ઈઝરાયલ દ્વારા તેના એક પરમાણુ મથક ઉપર હુમલો થયો
છે. આ પરિસ્થિતિ વચ્ચે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોઝતબા ખામેનેઈએ પદ સંભાળ્યા બાદ પોતાના
પહેલા સંબોધનમાં અમેરિકા અને ઈઝરાયલને આકરો સંદેશ આપ્યો હતો. મોઝતબાએ સ્પષ્ટ કહ્યું
હતું કે, ઈરાન પોતાના શહીદો, ખાસ કરીને યુદ્ધમાં માર્યા ગયેલાં બાળકોનો બદલો જરૂર લેશે
અને ક્ષેત્રમાં દુશ્મનોના સૈન્ય બેઝને સતત નિશાને લેતું રહેશે. આ દરમિયાન સ્ટ્રેટ ઓફ
હોર્મુઝ પણ બંધ જ રહેશે. મોઝતબા ખામેનેઈએ પોતાના સંદેશની શરૂઆત અલ્લાહનાં નામથી કરતા
કહ્યું હતું કે, ઈરાન ન્યાય અને શાંતિના રસ્તે ચાલતું રહેશે પણ પોતાના દુશ્મનો સામે
જવાબી કાર્યવાહીથી પીછેહટ કરશે નહીં. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે સ્ટ્રેટ ઓફ
હોર્મુઝ બંધ રાખવું જોઈએ. ઈરાન પોતાના પાડોશીદેશો સાથે મિત્રતાપૂર્ણ સંબંધોમાં વિશ્વાસ
કરે છે, જો કે જે સૈન્ય છાવણીનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ થાય છે તેને નિશાને લેવામાં આવશે.
મોઝતબાએ કહ્યું હતું કે ક્ષેત્રમાં રહેલી અમેરિકી સૈન્ય છાવણીઓને બંધ કરવી જોઈએ. તેમણે
ચેતવણી આપી હતી કે જરૂર પડશે તો ઈરાન પોતાની અન્ય સૈન્ય અને ક્ષેત્રીય ક્ષમતાઓને પણ
સક્રિય કરશે. તેમણે સંબોધનમાં ઈરાની સેના અને સુરક્ષા દળોનો આભાર માન્યો હતો. આ સાથે
કહ્યું હતું કે વર્તમાન સંઘર્ષમાં ઈરાનના દુશ્મનોને હરાવવા પડશે. આ લડાઈ માત્ર સૈન્ય
નહીં પણ રાષ્ટ્રીય સન્માન અને સુરક્ષાની લડાઈ છે.