• શુક્રવાર, 13 માર્ચ, 2026

તળાજામાં પિતા વીજચોરીમાં ઝડપાયા ને પુત્રને સિવિલ જેલમાં જવાનો વખત આવ્યો

તળાજા તા.12 : તળાજાના પીથલપુર સ્થિત પીજીવીસીલની કચેરી નીચે આવતા સખવદર ગામના રહીશના રહેણાંકના મકાનમાં વીજતંત્રની રેડ દરમિયાન વીજ ચોરી પકડાઈ હતી. જેનું બિલ વીજચોરી કરનાર દ્વારા ભરવામાં ન આવતા કોર્ટના દ્વારા ખખડાવવામાં આવ્યા હતા. ચોરીથી લઈ આજ સુધી કોર્ટ કાર્યવાહી દરમિયાન મૂળ વ્યક્તિનું નિધન થતા આજે તેમના દીકરાને કોર્ટમાં હાજર રહેવું પડયું હતું. સમયમર્યાદામા રૂપિયા ન ભરી શકવાના કારણે આજે પિતાએ કરેલી વીજચોરીને લઈ પુત્રને સિવિલ જેલમાં જવું પડ્યું હતું.

મળતી વિગત પ્રમાણે બે વર્ષ પહેલાં સખવદર ગામે પાવર ચોરીમાં ઘુસાભાઈ અરજણભાઈ ગોહિલ પકડાતા વીજતંત્રએ રૂ.90 હજાર આસપાસનું દંડનીય બિલ આપ્યું હતું. આ ચોરી રહેણાંક મકાનની હતી. સમય મર્યાદામાં રકમ જમા ન કરાવતા કોર્ટમાં વ્યાજ સાથે રૂ.1,12,900ની કાર્યવાહી વીજ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જેમાં ગત.તા.16/1/25 ના રોજ 9% વ્યાજ સાથે રકમ ભરી આપવાનો ચુકાદો આપ્યો હતો. એ રકમ પણ ન ભરતા રિકવરી માટે તા.7/2/25ના રોજ દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી. એ દરખાસ્તને લઈ આજે ઘુસાભાઈના અવસાનને કારણે પુત્ર પંકજભાઈને તળાજા કોર્ટમાં હાજર રહેવું પડયું હતું. પીજીવીસીલના કર્મચારી એચ.કે.મારુએ જણાવ્યું કે કોર્ટના કાયદાકીય વલણને લઈ પંકજભાઈ દ્વારા પીજીવીસીલની કચેરી ખાતે રૂપિયા ભરવા વ્યક્તિને મોકલવામાં આવ્યા હતા. જોકે એ સમયે લંચબ્રેક હોય રૂપિયા ભરવા આવનાર વ્યક્તિએ રાહ ન જોઈને જતો રહયો હતો. કોર્ટ સૂત્રોએ જણાવ્યું હતુ કે પંકજભાઈને સિવિલ જેલમા મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે.  બીજી તરફ કોર્ટે વીજકર્મીને પણ બોલાવીને કોર્ટ દ્વારા આલોચના કરવામાં આવી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક