• શુક્રવાર, 13 માર્ચ, 2026

જમ્મુમાં ફારુક અબ્દુલ્લાને ગોળી મારવાની કોશિશ

લગ્ન સમારોહમાં કમલસિંહ નામના શખસે ફારુક અબ્દુલ્લાને માથામાં ગોળી મારવાની કોશિશ કરી

સુરક્ષા દળોએ પકડયો : 20 વર્ષથી હુમલાની રાહ જોઈ રહ્યો હોવાની કબૂલાત

શ્રીનગર, તા. 12 : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલલા ઉપર એક લગ્ન સમારોહ દરમિયાન જીવલેણ હુમલાની કોશિશ થઈ હતી. આ ઘટના જમ્મુના ગ્રેટ કૈલાશ વિસ્તારમાં સ્થિત એક હોલમાં બની હતી. જેમાં વિવાહ સમારોહ ચાલી રહ્યો હતો અને ત્યાં ઘણા રાજનીતિક લોકો અને મહેમાન હાજર હતા. આ દરમિયાન ભીડમાંથી એક શખસે બંદૂક કાઢીને ફારુક અબ્દુલ્લાની નજીક પહોંચીને ગોળીબારની કોશિશ કરી હતી. જો કે સુરક્ષા કર્મચારીઓની તત્પરતાના કારણે ફારુક અબ્દુલ્લા બચી ગયા હતા. ઘટના બાદ સ્થળ ઉપર રહેલા સુરક્ષા કર્મચારીઓએ હુમલાખોરને પકડી લીધો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો. બનાવમાં આરોપીની ઓળખ કમલસિંહ જામવાલ તરીકે થઈ છે અને તે 20 વર્ષથી ફારુક અબ્દુલ્લાને મારવાની રાહમાં હોવાનું સ્વીકાર્યું હતું.  મળતી વિગત પ્રમાણે ફારુક અબ્દુલ્લા એક વરિષ્ઠ વકીલના પરિવારના લગ્ન સમારોહમાં પહંચ્યા હતા. રાતે જ્યારે કાર્યક્રમ લગભગ પૂરો થવા આવ્યો હતો ત્યારે ફારુક અબ્દુલ્લા સમારોહમાંથી બહાર નીકળીને કાર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘણા લોકો એકત્રિત થયા હતા. જેનો ફાયદો ઉઠાવીને શખસ ધીરે ધીરે અબ્દુલ્લાની નજીક પહોંચ્યો હતો માથા નજીક બંદૂક રાખીને ગોળીબારની કોશિશ કરી હતી. જો કે સુરક્ષા કર્મચારીઓએ અબ્દુલ્લાને બચાવી લીધા હતા. આ શખસનું નામ કમલસિંહ જામવાલ હોવાનું સામે આવ્યું છે. ઘટનાના કારણે થોડો સમય માટે સ્થળ ઉપર અફરાતફરી મચી હતી.

હુમલાની કોશિશ કરનારો શખસ કમલસિંહ જામવાલ જમ્મુનો રહેવાસી છે અને તેની ઉમર 60-65 વર્ષ આસપાસ છે. તે સ્થાનિક સ્તરે વેપાર કરે છે અને જુના શહેરમાં તેની અમુક દુકાનો પણ છે. પોલીસે જાણકારી આપી હતી કે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર કબજે કરાયું છે અને તે લાયસન્સ ધરાવતી પિસ્તોલ હતી. પોલીસ પૂછપરછમાં જામવાલે દાવો કર્યો હતો કે તે છેલ્લા 20 વર્ષથી ફારુક અબ્દુલ્લાને મારવાની રાહ જોઈ રહ્યો હતો અને તેને પોતાની હરકત ઉપર કોઈપણ પસ્તાવો નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક