(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 12 : આજે પણ રાજય આકરી ગરમીમાં શેકાયું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં સૌથી વધુ 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે નલિયામાં 35.2 ડિગ્રી હતું. તેમજ આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં ખાસ કરીને રાજકોટ અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ એટલે કે હીટ વેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ
હવામાન કેન્દ્રના અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહ્યું
હતું. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક શહેરોમાં તીવ્રથી અતિ તીવ્ર હીટ વેવની
સ્થિતિ સર્જાઇ હતી. સૌરાષ્ટ્રમાં અમુક શહેરોમાં રાત્રિ તાપમાન લઘુત્તમ કરતા વધુ રહ્યું
હતું. જેના કારણે ગરમ રાત્રિનો શહેરીજનોને અનુભવ થયો હતો. આ સાથે હવામાન વિભાગની આગાહી
અનુસાર 48 કલાક બાદમાં ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ત્યારે અન્ય
મુખ્ય શહેરોમાં જોઇએ તો અમદાવાદમાં 38.9, બરોડામાં 39, અને સુરતમાં 39.2 ડિગ્રી તાપમાન
નોંધાયું હતું.
ઉલ્લેખનીય
છે કે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા છે. દીવમાં 41.3
ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે માર્ચ મહિના માટે અસાધારણ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં
ભેજવાળા અને ગરમ પવનો ફૂંકાવાને કારણે અકળામણમાં વધારો થયો છે. માત્ર દિવસ જ નહીં,
પણ હવે રાત્રિના તાપમાનમાં પણ વધારો થતાં રાત પણ ગરમ રહેશે. આગામી 3 દિવસ હીટવેવની
પ્રબળ શક્યતા હોવાથી નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં
પ્રવાહી લેવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ ગરમી જીવલેણ
સાબિત થઈ શકે છે.