(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.30 : ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ વિધાનસભામાં પસાર થયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. રાજ્યપાલની સહી બાદ આ બિલ રાષ્ટ્રપતિની અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મહોર લાગતાની સાથે જ ગુજરાતમાં તમામ ધર્મો માટે લગ્ન, વારસો અને છૂટાછેડા જેવા વિષયો પર એકસમાન કાયદો લાગુ થશે. આ પગલું રાજ્યમાં કાયદાકીય સમાનતા લાવવાની દિશામાં એક મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ટૂંક સમયમાં આ બિલ પર હસ્તાક્ષર કરીને પોતાની મંજૂરી આપી શકે છે. જોકે, આ બિલ પર્સનલ લો અને બંધારણીય જોગવાઈઓ સાથે જોડાયેલું હોવાથી, રાજ્યપાલની મંજૂરી મળશે તો અંતિમ મહોર માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાની સાથે જ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એક કાયદો બની જશે અને સમગ્ર રાજ્યમાં અમલી બનશે.
ગુજરાત સરકારનું માનવું છે કે આ કાયદો આવવાથી સમાજમાં લિંગ સમાનતા વધશે. ખાસ કરીને મહિલાઓના અધિકારોનું રક્ષણ થશે અને તમામ નાગરિકોને ધર્મના ભેદભાવ વગર સામાજિક ન્યાય પ્રાપ્ત થશે. વારસા અને મિલકતના હક જેવી જાટિલ બાબતોમાં પણ પારદર્શિતા આવશે. આ બિલના અમલીકરણ સાથે ગુજરાત, ઉત્તરાખંડ બાદ ઞઈઈ લાગુ કરનાર દેશનું મહત્વનું રાજ્ય બની શકે છે. આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ તરફથી મળનારી મંજૂરી પર હવે સૌની મીટ મંડાયેલી છે.
શું છે UCC અને તેની જરૂરિયાત ?
સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ એક એવો પ્રસ્તાવિત કાયદો છે જે તમામ ધર્મના નાગરિકો માટે સમાન નિયમો લાગુ કરશે. હાલમાં ભારતમાં લગ્ન , છૂટાછેડા , વારસો અને દત્તક લેવા જેવી બાબતો માટે અલગ-અલગ ધર્મોના પોતાના પર્સનલ લો અમલમાં છે. ઞઈઈનો મુખ્ય હેતુ આ વિવિધતાને દૂર કરીને એક રાષ્ટ્ર, એક કાયદાની વિભાવનાને સાકાર કરવાનો છે.