-
હોર્મુઝ સંકટ વચ્ચે IEAની દુનિયાને ગંભીર ચેતવણી
નવીદિલ્હી,તા.14:
પશ્ચિમ એશિયાનાં તનાવ અને હોર્મુઝ સંકટ વચ્ચે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી(આઈઈએ) તરફથી
દુનિયાને ગંભીર ચેતવણી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, દુનિયાનાં પ્રમુખ
સમુદ્રી માર્ગો પૈકી હોર્મુઝ 10 અઠવાડિયા કરતાં વધુ સમયથી અવરોધાયેલો રહેવાનાં કારણે
વૈશ્વિક ઓઈલ ભંડારોમાં વિક્રમી ઘટાડો જોવા મળી રહ્યો છે અને આનાં હિસાબે ઓઈલનાં ભાવમાં
મોટો વિસ્ફોટ થઈ શકે છે.
આઈઈએ
દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 2026નાં અંત સુધીમાં વૈશ્વિક ઓઈલ પુરવઠામાં પ્રતિદિન
39 લાખ બેરલનો ઘટાડો આવી શકે છે. વૈશ્વિક ઓઈલ ભંડારો અભૂતપૂર્વ વિક્રમી ઝડપે સમાપ્ત
થઈ રહ્યાં છે. ખાડી ક્ષેત્રમાંથી પુરવઠો અવરોધાતા વૈશ્વિક ઊર્જા પરિદૃશ્યમાં જબરદસ્ત
બદલાવ જોવા મળી રહ્યો છે અને તેનાં કારણે ઓઈલનાં ભાવમાં ભારે ઉછાળ જોવા મળી શકે છે.
જો
કે સાથે એવું પણ ઉમેરવામાં આવ્યું હતું કે, આર્થિક મંદીનાં કારણે ઓઈલની માગમાં થોડો
ઘટાડો થવાની પણ આશા છે પણ માગમાં આ ઘટાડો પુરવઠાનાં સંકટને પહોંચી વળવા માટે પૂરતો
નહીં હોય. ઈરાન અને અમેરિકાનાં યુદ્ધનાં કારણે વિભિન્ન દેશોએ પોતાનાં વાણિજ્યિક અને
વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારોનું આક્રમક દોહન ચાલુ કર્યુ છે. માર્ચમાં 129 મિલિયન બેરલ
ઓઈલની કમી બાદ એપ્રિલમાં 117 મિલિયન બેરલનું નુકસાન થયું છે.
સ્થિતિની
નિયંત્રિત કરવા માટે આઈઈએનાં સદસ્ય દેશોએ ઈમરજન્સી ઓઈલ ભંડારમાંથી 400 મિલિયન બેરલ
ઓઈલ જારી કરવાની યોજના બનાવી છે. જેમાંથી 164 મિલિયન બેરલ ઓઈલ બજારમાં આવી પણ ગયું
છે. તેમ છતાં સ્થિતિ હજી પણ બેહદ નાજુક છે. આઈઈએનું કહેવું છે કે, આ સ્થિતિ જેટલી વધુ
ખેંચાશે તેટલી વધુ ઊર્જા અને નાણાકીય અસ્થિરતા ફેલાશે.