• ગુરુવાર, 14 મે, 2026

હિન્દુ હોવા માટે મંદિરે જવું જરૂરી નથી

સબરીમાલા સહિત મામલાઓની સુનાવણીમાં સુપ્રીમ : ઘરમાં દીવડો પ્રગટાવવો પૂરતું છે

નવી દિલ્હી, તા. 13 : સુપ્રીમ કોર્ટે બુધવારે હિન્દુ ધર્મ પર મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, હિન્દુ ધર્મ માત્ર પૂજા-પાઠ, ધાર્મિક અનુષ્ઠાનો પૂરતો સીમિત નથી, પરંતુ જીવન શૈલી છે.

કોઇ વ્યક્તિએ હિન્દુ બની રહેવા માટે મંદિરે જવું કે કોઇ વિશેષ કર્મકાંડ, ધાર્મિક વિધિઓ કરવી ફાજિયાત નથી. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ સહિત મામલાઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોઇ વ્યક્તિ પોતાના ઘરે કે ઝૂંપડીમાં દીવડો પ્રગટાવે તો તેના ધર્મ, આસ્થા સાબિત કરવા માટે    પૂરતું છે.

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતનાં વડપણવાળી નવ ન્યાયમૂર્તિની બંધારણીય ખંડપીઠે આવી મહત્ત્વપૂર્ણ વાત કરી હતી. સામાજિક સુધારાનાં નામે બંધારણદત્ત ધાર્મિક સ્વતંત્રતાનાં અધિકારનું ઉલ્લંઘન કરી ન શકાય તેવી મહત્ત્વની સ્પષ્ટતા આજે સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસમાં કરી હતી.

અદાલતે એવું પણ કહ્યું હતું કે, બંધારણ નિર્માતાઓએ સમાજની જરૂરિયાતોને ધ્યાને રાખીને જ જોગવાઈઓ કરી હતી અને નવ જજોની બંધારણીય પીઠ પણ આ મૂળ સંતુલનને બદલી શકતી નથી.

દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ(સીજેઆઈ) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી નવ સદસ્યની સંવિધાન પીઠે સબરીમાલા સહિત વિભિન્ન ધાર્મિક સ્થળો ઉપર મહિલાનાં પ્રવેશ સંબંધિત કેસ અને વિવિધ ધર્મમાં ધાર્મિક સ્વતંત્રતાનાં દાયરા ઉપર સુનાવણી કરતી વખતે આ મહત્વનાં અવલોકનો અને સ્પષ્ટતા બઆપ્યા હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક