• શુક્રવાર, 15 મે, 2026

દ્વારકાનાં જહાજ ઉપર થયેલા હુમલાને વિદેશ મંત્રાલયે વખોડયો

-વિદેશ મંત્રાલયે કહ્યું, ભારતીય ધ્વજના વેપારી જહાજ ઉપર હુમલાની ઘટના અસ્વીકાર્ય

નવી દિલ્હી, તા. 14 : સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના માલવાહક જહાજ ‘હાજી અલી’ ઉપર ડ્રોન હુમલો થયો હતો. આ હુમલા બાદ વહાણ દરિયામાં ડૂબી ગયું હતું. જો કે તમામ 14 ખલાસીને  બચાવી લેવાયા હતા. ડ્રોનનો હુમલો એટલો ભયાનક હતો કે પૂરું જહાજ જ સમુદ્રમાં સમાયું હતું. હવે આ મામલે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આકરી નિંદા કરવામાં આવી છે અને આવી હુમલાની ઘટનાને અસ્વીકાર્ય ગણાવી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઓમાનના તટ પાસે ભારતીય ધ્વજના ઝંડા ઉપર થયેલો હુમલો અસ્વીકાર્ય છે અને નિંદા કરવામાં આવે છે કે વેપારી જહાજો અને નાગરીક નાવિકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ભારત ફરી એક વખત કહે છે કે કોમર્શિયલ જહાજને નિશાન બનાવવા, નિર્દોષ ક્રૂ સભ્યોનો જીવ જોખમમાં મૂકવા કે વેપારની સ્વતંત્રતામાં અડચણ ઉભી કરવાની પ્રવૃત્તિથી બચવું જોઈએ.

રિપોર્ટ અનુસાર જહાજમાં કુલ 14 ખલાસી હતા. ઓમાનની નેવીએ દાવો કર્યો છે કે તમામ 14 ખલાસીને બચાવી લેવાયા છે. માલવાહક જહાજ હાજી અલી ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હતું. જહાજ બુધવારે સવારે સોમાલિયાના બરબરાથી શાહજાહ તરફ જઈ રહ્યું હતું. જહાજ ઓમાનમાં લિમાહ પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે મિસાઇલ અથવા ડ્રોન ટકરાયા હતા અને જહાજમાં આગ લાગી હતી. જહાજ ડૂબવાનું શરૂ થતાં જ 14 ખલાસીએ ટાઇમ સિગ્નલનો ઉપયોગ કરીને લાઇફબોટ્સની મદદ લીધી હતી અને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન ઓમાનના કોસ્ટ ગાર્ડે તત્કાળ કાર્યવાહી કરીને તમામને બચાવી લીધા હતા.

આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં ભારતીય જહાજ ડૂબવાની આ બીજી ઘટના છે. એક અઠવાડિયા પહેલાં ગુજરાતનું જ જહાજ અલ ફૈઝ નૂર સુલેમાની-1 હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ગોળીબારની ચપેટમાં આવીને ડૂબ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક