• શુક્રવાર, 15 મે, 2026

ભાવનગરમાં ઋતુનો સૌથી ગરમ દિવસ : 45.2 ડિગ્રી ગરમી

-કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત : અમદાવાદ સહિત 8 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો

-ગરમીમાં મળશે રાહત, 2થી 4 ડિગ્રી ઘટવાની આગાહી

 

રાજકોટ, અમદાવાદ, તા.14: છેલ્લા કેટલાક દિવસથી ઉનાળાના આકરા મીજાજના કારણે લોકો અકળાઇ ઉઠયા છે. આકાશમાંથી અગનવર્ષા થઇ રહી હોય એવો લોકોને અહેસાસ થઇ રહ્યો છે અને ઘણા શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની નજીક જઇ રહ્યો છે. ત્યારે આજે ગોહિલવાડ પંથકમાં સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. તાપમાનનો પારો 45.2 ડિગ્રીએ પહોંચી જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. આ ઉપરાંત રાજ્યના 8 શહેરમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જતા લોકોને આકરી ગરમીનો અહેસાસ થયો હતો.

છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હવામાન વિભાગની આજની આગાહીથી લોકો રાહતનો શ્વાસ લેશે. આગાહી અનુસાર આવતીકાલથી ગરમીમાં ઘટાડો થશે. કેમ કે રાજ્યમાં હાલના તાપમાનથી 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીની અસર વર્તાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 40થી 45 ડિગ્રી તાપમાન રહેશે. આગામી સાત દિવસ હીટવેવની કોઈ શક્યતા નથી. ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.

હવામાન નિષ્ણાતે જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થશે. મધ્ય ગુજરાતમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચશે જ્યારે ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જશે. કચ્છના ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેશે. રાજકોટમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. વધુમાં ચોમાસાને લઈને કહ્યું હતું કે, કેરળમાં 24થી 25 મે આસપાસ ચોમાસુ પહોંચશે. 19થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ રહેશે.

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ઉનાળાએ આકરો મિજાજ ધારણ કરતાં આજે ભાવનગરમાં સીઝનની સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. આગ ઝરતી ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા જ્યારે સાંજ બાદ આઈક્રીમ પાર્લર, ઠંડા પીણાની દુકાનો અને બગીચાઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. દિવસભર લૂ ફૂંકાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અતિશય ગરમીની સીધી અસર આરોગ્ય પર પણ જોવા મળી રહી છે. હોસ્પિટલમાં ગરમીજન્ય બીમારીઓના દર્દીઓનો ભારે વધારો નોંધાતા તમામ ખાટલાઓ દર્દીઓથી ભરાઈ ગયા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક