રાજ્યપાલ
આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપથ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.13 : ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારીને વધુ મજબૂત બનાવવા
માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની રાજ્યના
નવા લોકાયુક્ત તરીકે વરણી કરવામાં આવી છે. ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલા ગરિમાપૂર્ણ
સમારોહમાં તેઓએ હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા.
રાજ્યપાલ
આચાર્ય દેવવ્રતે બિરેન વૈષ્ણવને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય મંત્રીમંડળના સદસ્યો, વરિષ્ઠ સચિવો અને ન્યાયિક
ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી નવનિયુક્ત લોકાયુક્તને શુભકામનાઓ પાઠવી હતી.
મહત્ત્વનું
છે કે, લોકાયુક્ત સંસ્થા ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને વહીવટી પારદર્શિતા માટે લોકશાહીનો
એક મજબૂત સ્તંભ છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવનો ન્યાયતંત્રનો બહોળો અનુભવ જટિલ વહીવટી ફરિયાદોના
નિકાલમાં અને જવાબદેહી નક્કી કરવામાં અત્યંત મદદરૂપ થશે. સામાન્ય નાગરિકોની ફરિયાદોનો
ન્યાયિક અને ઝડપી નિકાલ આવે તે માટે આ સંસ્થાની ભૂમિકા નિર્ણાયક બની રહેશે. શપથ ગ્રહણ
કર્યા બાદ નવનિયુક્ત લોકાયુક્તે પોતાની બંધારણીય
જવાબદારીઓ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવાની ખાતરી આપી હતી. રાજ્ય સરકારે
આ નિમણૂક દ્વારા વડાપ્રધાનના ‘ઝીરો ટોલરન્સ ટુ કરપ્શન’ના વિઝનને વધુ વેગ આપવાનો પ્રયાસ
કર્યો છે.