અંબુ પટેલ
ખારાઘોડા,તા.3
: કચ્છના નાના રણમાં મીઠાંના ભાવમાં ચાલી રહેલી એકધારી તેજીને વરસાદ ખેંચાવાને લીધે
બ્રેક લાગી ગઇ છે. સારૂ ચોમાસુ જનજીવનમાં અમી આશા રેડવાનું કામ કરે છે પણ વરસાદ ખેંચાયો
છે એટલે મીઠાં બજારમાં ઉચાટ છે કારણ કે ઉત્પાદન વધારે થાય છે.
ખારાઘોડા
ખાતે આ વરસે 17 લાખ મેટ્રીક ટન મીઠાની આવક
થઈ છે. જયારે ઝીંઝુવાડા, સાંતલપુર, બોર, કુડા અને હળવદ સહીતના વેપાર મથક ખાતે અંદાજે
35 લાખ મેટ્રીક ટન મીઠાના ઉત્પાદન સાથે કચ્છના નાના રણનું મીઠા ઉત્પાદન આશરે 50 લાખ
ટન આસપાસ થયાનું જાણવા મળે છે.
કચ્છના
નાના રણમાં મીઠા ઉદ્યોગને આ વર્ષે તેજીનો સારો લાભ મળ્યો છે. માર્ચ મહિનાની આસપાસ બેસ્ટ
ક્રિસ્ટલ સોલ્ટનો ભાવ રૂ. 200 પ્રતિ બોરી-વેગન પર પહોંચતા રેકોર્ડ સર્જાઇ ગયો છે.મીઠાની
માગ ખૂલતા અને રેલવેમાં નિયમિત સપ્લાય મળી રહેતા દર મહિને આશરે સવા લાખ ટન મીઠાની નિકાસ
થઇ છે. ગયા વર્ષનો મીઠાનો સ્ટોક પણ મોટેભાગે ખાલી થઇ ગયો છે. એપ્રિલથી નવા મીઠાની આવક થઇ પણ તેમાં યોગ્ય લેવાલી
મળતા બજારમાં તેજી જોવા મળી હતી. આગોતરા સોદા કરી મીઠું પકવતા અગરીયાઓને પ્રતિ બોરી
રૂ. 55-60 આસપાસના કામકાજ થવાથી તેજીનો લાભ મળવામાંથી વંચિત રહ્યા હતા. જોકે તેજી જળવાઇ
રહે તો ઓગસ્ટના આગોતરા સોદામાં ઉંચા ભાવ અગરિયાઓને મળે તેવી શક્યતા બળવત્તર છે.
જોકે
અત્યારે તો મીઠા ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે એટલે પ્રતિ ટન રૂ. 100 જેટલો
ઘટાડો થઇ ગયો છે. કચ્છના દરિયાકિનારે પણ ભાવ ઘટ્યાના સમાચાર છે. વરસાદ વધારે ખેંચાય
તો તેજીની કૂચ મંદીમાં વરટાઇ જશે. મીઠા એસોસીએશન ખારાઘોડાના પ્રમુખ હીંગોરભાઇ રબારી
કહે છે, 15 જૂન આસપાસ વરસાદ થાય એટલે દરિયાકિનારે મીઠાનું ઉત્પાદન બંધ થઇ જાય છે. આ
વર્ષે જુલાઇમાં પણ મીઠાનું ઉત્પાદન ચાલુ છે એટલે સ્ટોક વધી જવાને લીધે ભાવમાં ઘસારો
દેખાય છે.
બીજી
તરફ આ વર્ષે ઉદ્યોગોમાં મીઠાની માગ અપેક્ષિત રહી નથી. જોકે ખાદ્ય મીઠામાં માગ જળવાઇ
રહેતા ઘટાડા પછી પણ વેપાર સ્થિર છે. આ વર્ષે કચ્છના નાના રણમાં આંધી-વાવાઝોડાં સાથે
માવઠાંએ વ્યાપક તારાજી સર્જી હતી. આમ ગુણવત્તાને તો અસર થઇ જ હતી બીજી તરફ રણમાં અગરિયાઓની
સોલાર પેનલને પણ ભારે નુક્સાન થયું છે. સરકારી સર્વે પછી વળતર નથી ચૂકવાયું એટલે કચવાટ
છે. સરકારી કંપની હિન્દુસ્તાન સોલ્ટ દ્વારા રણની પાંચ હજાર એકર જમીન ખાનગી કંપનીને
ભાડે આપી દેવામાં આવતા અગરિયાઓ વિરોધમાં પણ આવ્યા છે. આમ શાંત જણાતા કચ્છના નાના રણના
મીઠા ઉદ્યોગમાં ચિંતાના વાદળો વચ્ચે વરસાદી વાદળોની રાહ જોવાય છે.