• સોમવાર, 06 જુલાઈ, 2026

સૌરાષ્ટ્રમાં વરસાદ અસમાન, ક્યાંક બધા ડેમ ભરાયા તો ક્યાંક હજુ ખાલી ધારીનો ખોડિયાર ડેમ ઓવરફલો, 9 દરવાજા ખોલાયા: ધાતરવડી-1 છલકાયો

જામનગરમાં 11.79 ટકા જ આવક, દ્વારકામાં માત્ર 1.96 ટકા જ પાણી સંગ્રહ

રાજકોટ, જૂનાગઢ, તા.5 : સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા ભારેથી અતિભારે વરસાદથી પાણીની સમસ્યાનું ચિત્ર બદલી નાખ્યું છે. ધારીનો ખોડિયાર ડેમ ઓવરફલો થતાં 9 દરવાજા ખોલાયા હતા. અને ધાતરવડી-1 ડેમ પણ ઓવરફલો  થયો હતો. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પડેલા 6થી 40 ઇંચ સુધીના વરસાદે ડેમોમાં નવા નીરની જબરદસ્ત આવક સર્જી છે. માંગરોળમાં સૌથી વધુ 40 ઇંચ વરસાદ નોંધાતા નદીઓ અને નાળાઓ ઉફાણ પર આવી ગયા છે. ઓઝત ડેમના 12 દરવાજા ખોલવા પડયા છે, જ્યારે મધુવંતી, ઓઝત-2, ઓઝત વંથલી, સાબલી અને બાટવા ખારો જેવા જળાશયોમાં પણ હજારો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઘણા નાના-મોટા ડેમો ઓવરફ્લો થવાની કગારમાં પહોંચી ગયા છે, જેના કારણે તંત્રને નિયંત્રણ માટે ગેટ ઓપરેશન કરવું પડયું છે.

રાજકોટ વર્તુળના કુલ જળાશયો 25.24 ટકા સુધી ભરાયાં છે, જ્યારે મોરબીમાં 21.99 ટકા અને જામનગરમાં માત્ર 11.79 ટકા જ આવક નોંધાઈ છે. દ્વારકા વિસ્તારમા ં હજુ પણ સ્થિતિ અત્યંત નાજુક છે જ્યાં માત્ર 1.96 ટકા જ પાણી સંગ્રહ છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં અચાનક ભારે વરસાદને કારણે સ્થાનિક પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે સૌરાષ્ટ્રમાં વરસાદનું વિતરણ અસમાન રહ્યું છે. ક્યાંક અતિભારે વરસાદ અને ક્યાંક પાણીની અછત યથાવત્ છે. ખેતી ક્ષેત્રે હાલ પાણી ભરાવાને કારણે વાવણી કામગીરી અટકી ગઈ છે, પરંતુ જળાશયોમાં આવેલી નવી આવક આગામી દિવસોમાં સિંચાઈ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.

કેશોદ અને માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા મધુવંતી ઓઝત કોસ્ટલ કેનાલમાં નવાં નીરની આવક શરૂ થઈ છે. વર્ષો પછી કેનાલમાં પાણી આવતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી. હવે રવી પાક માટે પાણીની ચિંતા દૂર થતાં ખેડૂતોએ નવા નીરનાં વધામણાં કર્યાં છે.

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન પાલીતાણા સ્થિત શેત્રુંજી ડેમની સપાટી હાલ 52.35 મીટરે પહોંચી છે, જે તેની 55.53 મીટરની ઓવરફ્લો સપાટીની નજીક સરકી રહી છે. તાલુકાના રજાવળ ડેમ 54.95 ટકા અને ખારો ડેમ 30.56 ટકા ભરાયો છે, જ્યારે હણોલ ડેમમાં 64.64 ટકા જેટલો નોંધપાત્ર જળસંગ્રહ નોંધાયો છે. મહુવા તાલુકાના માલણ ડેમમાં 34.78 ટકા અને બગડ ડેમમાં 34.62 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉમરાળાના રંઘોળા ડેમમાં પણ 75.60 ટકા પાણી છે. ગઢડાના કાળુભાર ડેમમાં 34.73 ટકા અને બરવાળાના ખાંભડા ડેમમાં 43.54 ટકા જળ જથ્થો સંગ્રહિત થયો છે. ધારી સ્થિત ખોડિયાર ડેમ પણ હાલ 58.88 ટકા જેટલો ભરાયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વેરાવળનાં સ્મશાનની ગેસ ભઠ્ઠી સપ્તાહથી બંધ : મૃતદેહનો મલાજો ન જળવાતા કચવાટ July 06, Mon, 2026