શોમાં દિવ્યાંગોની મજાક ઉડાવવાનો મામલો ઃ અલ્હાબાદિયાને પણ દંડ
નવી દિલ્હી, તા. 14 ઃ સુપ્રીમ કોર્ટે જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાને તેના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સંબંધિત કેસમાં ફટકાર લગાવી છે અને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, કોમેડિયન અદાલતના નિર્દેશોનું પાલન કરી રહ્યો નથી. આ કેસમાં પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા અને યુટÎુબર આશિષ ચંચલાનીને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સમય રૈના અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા સામે કડક ટિપ્પણી કરી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી કે, બંને અદાલતને ગંભીરતાથી લેતા નથી. કોર્ટે રણવીર અને રૈનાને રૂા. ત્રણ લાખનો દંડ ફટકાર્યો હતો, જે તેમણે બે અઠવાડિયામાં જમા કરાવવાનો રહેશે. કોર્ટે જણાવ્યું હતું કે, સમયે કોર્ટને ગેરમાર્ગે દોરી હતી.
એ નોંધવું જોઈએ કે, સમય રૈનાએ તેના શોમાં દિવ્યાંગ લોકોની મજાક ઉડાવી હતી. ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં અન્ય ચાર વ્યક્તિનાં નામ પણ હતાં. કોર્ટે સમયને તેના શોમાં દિવ્યાંગ લોકોને આમંત્રિત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સમય અને અન્ય લોકોને દિવ્યાંગ લોકોની સારવાર માટે બનાવેલા ભંડોળને ટેકો આપવા માટે દર મહિને ઓછામાં ઓછા બે કાર્યક્રમનું આયોજન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. જો કે, સમય અને અન્ય લોકો આમ કરવામાં નિષ્ફળ ગયા હતા. આ ઉલ્લંઘનને જોતાં સુપ્રીમ કોર્ટે હવે તેમના પર દંડ ફટકાર્યો છે.
સમય રૈના દ્વારા અપંગ લોકો અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ ક્યોર એસએમએ ઇન્ડિયા ફાઉન્ડેશન નામની એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં તેમની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.