5 સંદિગ્ધોને અમદાવાદ લવાયા ઃ 3 જુલાઈએ ઝડપાયેલા આઠ આતંકીઓની પૂછપરછના આધારે તપાસનો ધમધમાટ; રમકડાની બેટરીઓ ખરીદ્યાની આશંકાએ વેપારીઓની પણ પૂછપરછ
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, રાજકોટ તા.14 ઃ અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના આડે હવે માત્ર બે જ દિવસ બાકી છે, ત્યારે ગુજરાતમાં આતંકી સાજિશને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા સિદ્ધપુરમાંથી પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન ધરાવતા હોવાની શંકાના આધારે પાંચ યુવકની અટકાયત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અગાઉ 3 જુલાઈએ ઝડપાયેલા 8 આતંકીઓની કડક પૂછપરછમાં ખુલેલી વિગતોના આધારે એટીએસએ મોડી રાત્રિ ઓપરેશન પાર પાડ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ એટીએસની ટીમે સિદ્ધપુર તાલુકાના ચાટવાડા ગામમાં અગાઉ ઝડપાયેલા આતંકી મોહમ્મદ અમિન શેરાના પરિવારજનોની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત ઝાપડીપોળ વિસ્તારમાં કેટલાક વેપારીની પૂછપરછ પણ કરી હતી. શેરાએ અહીંની દુકાનમાંથી શું ખરીદ્યું હતું ? તે બાબતની તપાસ કરવા એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. એટીએસના સૂત્રોના મતે ગુપ્તચર તંત્રની મદદથી હાલમાં કેટલાક લોકોની અટક કરાઈ છે અને નવી ધરપકડ કરવામાં આવી નથી. સૂત્રો મુજબ શેરાએ આ વિસ્તારમાં આવેલી દુકાનમાંથી રમકડામાં વપરાતી બેટરીઓ ખરીદી હોવાના આશંકા છે. ઝાંપલીપોળ ખાતે આવેલી નૂરાની ટેલર્સમાંથી એક શંકાસ્પદ વ્યક્તિને ડીટેન કરાયો હતો. ત્યારબાદ મંગળવારે વધુ ઈસમોની અટક કરાઈ છે. પાંચ જેટલા શખસને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. એટીએસ આ સંદિગ્ધોની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ વધુ વિગતો જાહેર કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, 3 જુલાઈ 2026ના રોજ ગુજરાત એટીએસ દ્વારા બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને દેવાસ જિલ્લામાંથી કુલ આઠ શંકાસ્પદની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આ લોકોના જૈશ-એ-મોહમ્મદ સાથે તાર જોડાયેલા હોવાનું જણાયું હતું. તેમની પાસેથી મોબાઈલમાંથી આતંકી સાહિત્ય જપ્ત કરાયું હતું અને તેઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાની વિગતો પણ સામે આવી હતી.
રથયાત્રા પૂર્વે રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. એટીએસ ઉપરાંત સ્થાનિક પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સંકલિત રીતે કામગીરી કરીને કોઈપણ સંભવિત આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવવાના પ્રયાસ કરી રહી છે.