• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

પ્રશાંત કિશોરે ભાજપનાં ગઢમાં ગાબડું પાડયું : બાંકીપુર બેઠક જીતી

બિહારની જેમ મધ્યપ્રદેશની દતિયા બેઠક ઉપર પણ ભાજપને આંચકો : ગુજરાતમાં માંજલપુર બેઠક ભાજપે જીતી

નવી દિલ્હી, તા.3: પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક ચૂંટણી જીતની પૃષ્ઠભૂમિમાં બિહારની બાંકીપુર, મધ્યપ્રદેશની દતિયા અને ગુજરાતની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓમાં ભાજપને ઝટકો લાગ્યો છે. જેમાં માંજલપુર સીવાયની બન્ને બેઠકો ઉપર ભાજપને પરાજયનો સામનો કરવો પડયો છે. આમાં પણ બિહારની બાંકીપુર બેઠકનાં પરિણામે રાજ્યથી લઈને દેશની રાજધાની સુધી રાજકીય પડઘો પાડયો છે. છેલ્લા 3 દાયકાથી ભાજપનો ગઢ ગણાતી આ બેઠક ઉપર પ્રશાંત કિશોરે અપસેટ સર્જી દીધો છે અને આ બેઠક ભાજપ પાસેથી આચકી લેવામાં સફળતા મેળવી છે.

બાંકીપુર બેઠક ઉપર ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 20 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યાં હતાં. તેમની પહેલા તેમનાં પિતા નવીન કિશોર પણ આ બેઠક ઉપર 11 વર્ષ સુધી વિધાયક રહ્યાં હતાં. આમ, 30 સુધી ભાજપનો ગઢ બની રહેલી આ બેઠકમાં પ્રશાંત કિશોરે ગાબડું પાડીને વિધાનસભામાં ઈતિહાસ બદલીને પ્રવેશ કર્યો છે. ભાજપનાં અધ્યક્ષ નીતિન નવીન, મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને કેન્દ્રીય મંત્રીઓ સહિત આખી બિહાર કેબિનેટે આ બેઠકને જાળવી રાખવા પૂરેપૂરું જોર લગાવી દીધું હતું પણ પ્રશાંત કિશોરને આ બેઠક જીતી લેતાં રોકવામાં તે તમામ પ્રયાસો એળે ગયા છે. આ બેઠક ઉપર જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરને 63203 મત મળ્યા હતાં. ભાજપનાં નીરજ સિંહાને 44250 અને રાજદનાં રેખા કુમારીને 14085 મત મળ્યા હતાં. મત ગણતરીનાં આરંભથી જ પ્રશાંત આગળ હતાં અને આ સિલસિલો અંત સુધી જળવાઈ રહ્યો હતો.

બીજીબાજુ મધ્યપ્રદેશની દતિયા બેઠક ઉપર ભાજપનાં આશુતોષ તિવારીને હાર મળી છે. તેમની સામે કોંગ્રેસનાં ઘનશ્યામ સિંહનો વિજય થયો છે. આ 72 વર્ષીય નેતા અગાઉ પણ બે વખત ધારાસભ્ય રહેલા છે. મધ્યપ્રદેશનાં પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની બેઠક તરીકે ઓળખાતી આ દતિયા બેઠક ઉપર ભાજપની હારથી ભોપાલથી લઈને દિલ્હી સુધી ભાજપમાં મંથન શરૂ થયું છે.

આ બન્ને હાર સામે ગુજરાતમાં ભાજપને માંજલપુર બેઠકમાં જીત મળી છે. અહીં ભાજપનાં ઉમેદવાર સતીશ પટેલને 30630 મતે જીત મળી છે. આ બેઠક ઉપર ભાજપનાં વિધાયક યોગેશ પટેલનાં નિધનનાં હિસાબે ચૂંટણી યોજાઈ હતી. 2012ની ચૂંટણી પહેલા સુધી આ બેઠક વડોદરાની રાવપુરા બેઠક તરીકે ઓળખાતી પણ સીમાંકનમાં આ બેઠકનું નામ બદલાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક