• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

કોર્ટમાં જજે કહેલી વાત વ્યક્તિગત મત નથી હોતો : CJI

‘ન્યાયધીશ માત્ર બંધારણ અને કાયદાને ધ્યાને રાખીને જ આપે છે ચુકાદો’

નવીદિલ્હી, તા.2 : અદાલતમાં સુનાવણી દરમિયાન જજો દ્વારા કહેવામાં આવેલી વાતો ઉપર દેશના પ્રમુખ ન્યાયમૂર્તિ(સીજેઆઈ) સૂર્યકાંતે એક મોટું વિધાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે જજ પીઠ સંભાળે ત્યારે તે પોતાની વ્યક્તિગત માન્યતાઓ અને ખાનગી વિચારોને સંપૂર્ણ રીતે પાછળ છોડી દે છે. સુનાવણીમાં મૌખિક રીતે કહેવામાં આવેલી વાતો કોઈ જજનો અંગત અભિપ્રાય કે અદાલતનાં અંતિમ ફેંસલાનો સંકેત નથી હોતી.

પંજાબ, હરિયાણા અને ચંદીગઢના વકીલોના પ્રતિનિધિઓ સાથે લીગલ એન્ડ ડીફેન્સ કાઉન્સિલ યોજના સાથે જોડાયેલી ચિંતાઓની ચર્ચા પહેલા સીજેઆઇ તરફથી આ વાત કરવામાં આવી હતી. સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું હતું કે, કેસની સુનાવણી અને ફેંસલા વખતે જજ માત્ર બંધારણ અને કાયદાનું ધ્યાન રાખે છે. તે સંપૂર્ણપણે તટસ્થ થઈને ચુકાદો સંભળાવે છે. અદાલતોમાં કરવામાં આવેલી ટિપ્પણીને જજનાં અંગત મત કે અદાલતનાં અંતિમ નિર્ણયનાં રૂપમાં જોવી જોઈએ નહીં. તેમણે આગળ કહ્યું હતું કે, કોર્ટમાં દલીલોનું મહત્ત્વ સમજાવતા જજ ઘણીવાર તીખા સવાલો કરતા હોય  છે.

અસ્થાયી ટિપ્પણી પણ કરે છે અને કાલ્પનિક દાખલા-દલીલ પણ સામે રાખે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કેમ કે દલીલોનાં ઊંડાણમાં જઈ શકાય અને કેસની સમગ્ર સ્પષ્ટતા મળી શકે.

ઇ-પેપરના નવા શુલ્ક