• શનિવાર, 13 જુલાઈ, 2024

ખેડૂતોની બે માસની રાહનો અંત, કપાસ-મગફળી પર મેઘની મહેર મગફળીનું ઉત્પાદન અંદાજ કરતા વધશે, કપાસને પણ ભરપૂર લાભ

રાજકોટ, તા.18(ફૂલછાબ ન્યૂઝ): બે મહિનાનો પોરો ખાધા બાદ બે દિવસથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ઓછો-ભારે વરસાદ પડતા ખરીફ પાકો બચી ગયા છે. વરસાદનો છેલ્લો રાઉન્ડ ખેતી માટે આશીર્વાદરૂપ બન્યો છે, કારણ કે ખરીફને તો પિયત મળી ગયું છે. શિયાળુ પાકો માટે પણ જ્યાં પિયત ખૂટી ગયાં હતાં તે ફરી સજીવન થઈ ગયા છે. ખેડૂતોએ કહ્યું કે, કપાસમાં વીણી લેવાવાનું જે ખેતરોમાં શરૂ થયું હતું ત્યાં ગુણવત્તા બગડે, મણિકા ખરી જાય એવું બનશે પણ પછી ફાલ બેસે એટલે નુકસાન ખાસ ન રહે. મગફળીમાં પણ પાણીથી ઉત્પાદન વધવાનો અંદાજ છે.

ગુજરાતમાં ચોતરફ વરસાદનું ગઇકાલથી આગમન થયું છે. મગફળી અને કપાસ પકવતા વિસ્તારોમાં વરસાદનું તીવ્ર જોર નથી એટલે પાકને ફાયદો થશે તેમ ખેડૂતોએ કહ્યું છે છતાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે એટલે ખેડૂતોના જીવ તાળવે છે. જોકે હાલની સ્થિતિએ પાકને ખૂબ જ ફાયદો મળશે.

નારણકાના ખેડૂત રમેશ ભોરણિયા કહે છે, કપાસમાં નુક્સાન જેવી ખાસ કોઇ બાબત નથી. વરસાદ ખૂબ લાભ કરાવશે. આગોતરામાં ફૂલો બેસતા હોય તે ખરી જાય પણ વરસાદી પાણી હશે તો ફરી પિયતથી આવરણ લાવી શકાશે અને માવજત પણ થશે એટલે કપાસમાં 5-10 ટકા કરતા વધારે નુકસાન ગણવું ન જોઇએ.

તેમણે ઉમેર્યું કે, પાણી ખૂટવા આવ્યા હતા ત્યાં ફરીથી પાણી ભરાઈ ગયાં છે એટલે પિયત અગાઉ જેટલું વપરાઈ ગયું હતું તેની પૂર્તિ થઈ ગઈ છે. શિયાળુ પાકોને એનાથી ફાયદો થશે. મગફળીના પાક ઉત્પાદનમાં 10-15 ટકા જેટલો વધારો થઈ જશે, તેમ દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢિયા કહે છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પાક ઉત્પાદન 2-4 લાખ ટન વધી જશે. વરસાદથી ઉતારો ઉંચકાશે. એ જ રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદ સારો છે એટલે ઉતારા વધશે. તેમના મતે ગુજરાતમાં પાક 25 લાખ ટન આસપાસ કે તેનાથી વધારે થઈ શકે છે.

વરસાદની સૌથી વધારે જરૂર મગફળીના પાકને હતી. પાકવા આવી હોય એ મગફળી હવે થોડી મોડી ઉપડશે એટલે ઉતારામાં ફાયદો મળશે. જ્યાં ફૂગ લાગી હતી તે ધોવાઈ જશે અને વરસાદનો આ રાઉન્ડ પૂરો થાય એ પછી તાપ પડે એટલે ધૂમ આવકો શરૂ થઈ જશે છતાં જ્યાં ક્યાંક ખેતરોમાં પાણી ભરાયેલું રહેતું હશે ત્યાં જ પાકમાં થોડો બગાડ થાય પણ એકંદરે બધે જ પાકને ફાયદો મળ્યો છે. ખેડૂતો પણ એનાથી રાજી થયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક