• શનિવાર, 20 એપ્રિલ, 2024

વાવાઝોડાની અસર: ગુજરાતમાં કાલથી વરસાદની શક્યતા

- શનિ-રવિવારે દરિયાકાંઠા સહિત અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડશે: સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાશે

 

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.8: અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય નામનું વાવાઝોડું કઈ તરફ જઈ રહ્યું છે કે કઈ તરફ જશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. જો ગુજરાત, મુંબઈ તરફ આગળ વધે તો આગામી બે દિવસ જોખમી રહેશે અને જો પાકિસ્તાન તરફ ફંટાઈ જશે તો ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળશે પરંતુ વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં શનિ અને રવિવારે ગાજવીજ અને ભારે સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

બિપોરજોય વાવાઝોડાનાં પગલે હાલ સૌરાષ્ટ્રનાં તમામ બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યાં છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ પડવાની સંભાવનાનાં પગલે એનડીઆરએફ ટીમ સહિતનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. કુદરતી આપદા સમયે રાહત બચાવની કામગીરી માટે તંત્રને એલર્ટ રહેવાની સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

દ્વારકા: દ્વારકાના ગોમતી ઘાટ પર 15થી 20 ફૂટ ઉંચા મોજાં ઉછળી રહયાં છે અને ઓખા બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

જામનગર: જિલ્લા કલેક્ટર બી. એ. શાહે જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈને સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. જેમાં જિલ્લા તથા તાલુકા મથકના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાનાં 22 ગામના 76 બજાર નાગરિકોને જો જરૂર જણાય તો સલામત આશ્રયસ્થાન અંગેની પણ જરૂરી વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. જામખંભાળિયા: જિલ્લા કલેક્ટર અશોક શર્માના જણાવ્યા અનુસાર જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તેમજ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનું જરૂરિયાતના સમયે સ્થળાંતર કરવા માટે શેલ્ટર હોમની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત તાલુકા વાઇઝ લાયઝન ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક