• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

કૅનેડાની ‘ચોરી પર સીનાજોરી’

કૅનેડામાં ભારતીય હાઈ કમિશનર અને દૂતાવાસના અન્ય અધિકારીઓને ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાની તપાસ સાથે સાંકળી લેવાના કૅનેડાના વલણના ભારતે આકરા પ્રત્યાઘાત આપ્યા છે. ભારતે કૅનેડામાંના પોતાના તમામ રાજદૂતો, અન્ય કેટલાક અધિકારીઓને પાછા બોલાવી લેવાની સૂચના જારી કરી છે. કૅનેડાના પાયાવિહોણા અને હાસ્યાસ્પદ આક્ષેપોને કારણે ભારતે આ આકરો નિર્ણય લીધો છે. કૅનેડાએ ભારતના છ રાજદૂતોને દેશ છોડી જવાની સૂચના આપી છે. જેમાં હાઈ કમિશનર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કૅનેડાની પોલીસે ભારતીય અધિકારીઓ પર પ્રશ્નાર્થ નિશાન મૂક્તાં ગૅંગસ્ટર લેરેન્સ બિશ્નોઈનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે આરોપ કર્યો છે કે ભારત સરકારના એજેન્ટ્સ કૅનેડામાં આતંક ફેલાવવા માટે લોરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે મળી કામ કરે છે. જોકે ભારતે કૅનેડાના નિરાધાર આરોપોનું ખંડન કર્યું છે અને ચેતવણી આપી છે કે, આ વર્તણૂકના જવાબ રૂપે આકરાં પગલાં લેવાનો અધિકાર અમને પણ છે.

ભારતનું કૅનેડામાંથી પોતાના હાઈ કમિશનરને પાછા બોલાવવાનું અને ભારતમાંથી કૅનેડાના હાઈ કમિશનરને કૅનેડા મોકલી દેવાનું પગલું ‘જેવા સાથે તેવા’નું છે. જે રીતે કૅનેડાની સરકાર ભારતીય રાજદ્વારીઓને બદનામ કરવા અને તેમની સુરક્ષા માટે વિઘ્ન ઊભા કરવા લાગી છે આનો આકરો જવાબ આપવો આવશ્યક હતો. કૅનેડા સરકાર આ પહેલાં પણ પોતાની ધરતી પર ઉછરી રહેલા ખાલિસ્તાન તરફીઓને ખુશ કરવા માટે નિજજરની હત્યા બદલ ભારતીય રાજદ્વારીઓને જવાબદાર ઠેરવવાના હાસ્યાસ્પદ પ્રયાસ કર્યા હતા, ત્યારે પણ ભારતે આકરું વલણ દાખવ્યું હતું અને કૅનેડાની વિઝા સેવા અટકાવી દીધી હતી. જોકે, આ વખતે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, સરકાર સાથે પોલીસ પણ નવેસરથી ખાલિસ્તાનીઓને ખુશ કરવામાં લાગી ગઈ છે. કૅનેડા નિજજર હત્યામાં ભારતને સંડોવવાના પ્રયાસ તો કરી રહ્યું છે, પણ આ પૂર્વે અને અત્યારે પણ કોઈપણ નક્કર પુરાવા નથી આપી શક્યું. જોકે, બનાવટી દસ્તાવેજો દ્વારા નિજ્જર કૅનેડા પહોંચ્યો ત્યારે તેની ત્યાંની હરકતો જોતાં તેની વિમાની પ્રવાસ સેવાઓ કૅનેડાએ અટકાવી દીધી હતી. જોકે, ખાલિસ્તાનીઓના પ્રભાવમાં આવીને નિજ્જરને નાગરિક્તા આપી હતી.

ખાલિસ્તાનીઓની સહાનુભૂતિ મેળવવા કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સંબંધોને ક્યારના નેવે મૂકી દીધા છે. કૅનેડા ખાલિસ્તાની અંતિમવાદીઓ અને આતંકવાદીઓને સંરક્ષણ આપી રહ્યું છે. આ રીતે ટ્રુડો પોતાની સત્તા બચાવવા ખાલિસ્તાની તત્ત્વોના હાથમાં રમી રહ્યા છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક