• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

દિવાળી પહેલાં દેશમાં ઠંડીનાં પગરણ થશે

પશ્ચિમી વિક્ષોભને પગલે હવામાનમાં ફેરફાર થશે : ઉત્તરી રાજ્યમાં શિયાળુ સ્થિતિ થશે

 

નવી દિલ્હી, તા. 16 : ભલે અત્યારે દેશના ઉત્તર ભાગોમાં ગરમીનો પ્રભાવ દેખાઇ રહ્યો છે, પરંતુ દિવાળી પહેલાં દેશમાં ઠંડીનો પ્રવેશ થઇ જશે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. જેમ-જેમ દિવાળી નજીક આવે છે તેમ-તેમ ઉત્તર ભારતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થવા જઈ રહ્યો છે. કારણ કે, તહેવારના લગભગ એક અઠવાડિયા પહેલાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે. આઇએમડી અનુસાર 24 અને 26 ઓક્ટોબરની વચ્ચે હવામાનની સ્થિતિમાં ફેરફારની અપેક્ષા છે, જે હિમાલય ક્ષેત્ર અને ઉત્તરીય મેદાનો બંનેને અસર કરશે.

પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તરના ઘણા રાજ્યોમાં મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમ્યાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર હરિયાણા અને ઉત્તરાખંડના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ પશ્ચિમી વિક્ષોભ દિવાળીના તહેવાર પહેલાં આ વિસ્તારોમાં શિયાળા જેવી સ્થિતિ સર્જી શકે છે.

જો કે, હવામાન વિભાગ (આઇએમડી)ની આગાહી અનુસાર, પહાડી વિસ્તારોમાં ઘણો વરસાદ પડશે, પરંતુ દિલ્હી-એનસીઆરમાં વરસાદની કોઈ શક્યતા નથી. દિલ્હીમાં સવારે અને રાત્રે હળવી ઠંડકનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગ અનુસાર, દિલ્હી-એનસીઆરમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

દરમ્યાન, હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ઉત્તરીય મેદાનોમાં ઠંડી ધીમે-ધીમે વધી રહી છે. દિલ્હીનું તાપમાન ધીમે-ધીમે નીચે જઈ રહ્યું છે. પહાડોના ઢોળાવ પરથી આવતા ઉત્તર-પશ્ચિમ પવનો દિલ્હીમાં તાપમાનનો પારો ઘટાડી શકે છે. સાંજ અને રાત તેમજ સવારે હળવા પવનની સાથે હળવી ઠંડકનો અનુભવ થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક