• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ઉત્તરાખંડના વેરાન ગામમાં ફસાયા મુખ્ય ચૂંટણી અધિકારી

પિથૌરાગઢમાં આવેલા રાલમ ગામમાં હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડીંગ : આઠ કલાક વિતવા છતા રેસ્ક્યૂ ટીમ ન પહોંચી શકી

 

નવી દિલ્હી, તા. 16 : ખરાબ હવામાનના કારણે ઉત્તરાખંડના પિથૌરાગઢમાં આવેલા મુનસ્યારીમાં મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારના હેલિકોપ્ટરનું બુધવારે ઈમર્જન્સી લેન્ડીંગ કરવું પડયું હતું. મુખ્ય ચૂંટણી અધિકારીનું હેલિકોપ્ટર મિલમ તરફ જઈ રહ્યું હતું અને તેમની સાથે રાજ્યના ઉપમુખ્ય ચૂંટણી અધિકારી વિજય  જોગદંડે પણ હતા. આ દરમિયાન બન્ને અધિકારી એક એવા ગામમાં ફસાયા છે જયાં ઘર ઘણા છે પણ તેમાં કોઈ રહેતું નથી અને દુર્ગભ વિસ્તારના કારણે રેસ્કયુ ટીમ આઠ કલાક વિતવા છતા પણ પહોંચી શકી નહોતી.

મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર રાલમ ગામમાં ફસાયા છે. આ ગામ જિલ્લા મુખ્યાલયથી અંદાજીત 175 કિલોમીટર દૂર આવેલું છે. મિલમ ઘાટીના આ ગામમાં ઘર તો ઘણા છે પણ ત્યાં કોઈ રહેતું નથી. જો કે તમામ લોકો એક ઘરમાં સુરક્ષિત છે. સીઈસીના હેલીકોપ્ટરની ઈમર્જન્સી લેન્ડીંગના આઠ કલાક બાદ પણ રેસ્ક્યૂ ટીમ સ્થળ ઉપર પહોંચી શકી નહોતી. આ દરમિયાન સેટેલાઈટ ફોન મારફતે સંપર્ક થઈ રહ્યો હતો. પ્રશાસને લિલમ, પાતો અને મિલમથી ત્રણ અલગ અલગ રેસ્ક્યૂ ટીમને રવાના કરી હતી. આ ટીમ રાત્રીના 10 વાગ્યા સુધીમાં પહોંચવાની હતી. આ વિસ્તારમાં સડક ન હોવાના કારણે ટ્રેકિંગ મારફતે ટીમ પહોંચી રહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક