• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

બહરાઈચ હિંસાના 2 આરોપી એન્કાઉન્ટરમાં ઘાયલ

બહરાઈચ તા.17 : ઉત્તરપ્રદેશના બહરાઈચમાં તાજેતરમાં કોમી હિંસામાં થયેલી એક યુવકની હત્યામાં સામેલ બે આરોપી સરફરાઝ ઉર્ફે રિન્કૂ અને મોહમ્મદ તાલીબ ઉર્ફે સબલૂનું પોલીસે એન્કાઉન્ટર કર્યુ છે. પોલીસે દાવો કર્યો છે કે બંન્ને નેપાળ ભાગવાની તૈયારીમાં હતા અને પકડતી વખતે અથડામણ થઈ જેમાં બંન્નેને પગમાં ગોળી વાગી છે. બંન્ને આરોપી જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એન્કાઉન્ટર બાદનો વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ બંન્ને ઈજાગ્રસ્તને લઈ જતાં જોવા મળે છે. વીડિયોમાં આરોપી પોતાનાથી ભૂલ થઈ ગયાનું કહેતાં સાંભળવા મળે છે.  આરોપીઓ સાથે અથડામણ નાનપારા થાણા બાયપાસ પાસે થઈ હતી. બહરાઈચમાં જે મકાન માલિક અબ્દુલ હમીદ પર રામ ગોપાલ મિશ્રા (રર) નામના યુવક પર ગોળીબાર કરવાનો આરોપ છે તેની પુત્રી રુખસારે આરોપ લગાવ્યો કે ગઈકાલે 4 વાગ્યે મારા પિતા અબ્દુલ હમીદ, બે ભાઈ સરફરાઝ અને ફહીમ સાથે અન્ય એક યુવકને યુપી એસટીએફ ઉઠાવી ગઈ હતી. તેના પતિ અને દિયરને પહેલેથી જ પોલીસ લઈ ગઈ છે. કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી તેમની કોઈ ખબર નથી.

બહરાઈચના એસપી વૃંદા શુકલાએ કહયું કે એન્કાઉન્ટર બાદ કુલ પાંચની ધરપકડ કરવામાં આવી છે જેમાં મોહમ્મદ ફહીમ, મોહમ્મદ તાલીબ, મોહમ્મદ સરફરાઝ, અબ્દુલ હમીદ અને મોહમ્મદ અફઝલ સામેલ છે. પકડાયેલા બે આરોપીની પૂછપરછમાં હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયારનું પૂછતાં જણાવેલી જગ્યાએ પોલીસ પહોંચી તો પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ જેમાં બે આરોપીને ગોળી વાગી છે.

ઉલ્લેખનીય છે કે બહરાઈચના મહારાજગંજમાં રવિવારે સાંજે દુર્ગા પ્રતિમાના વિસર્જન દરમિયાન ઝંડો લહેરાવવા મામલે હંગામા વચ્ચે રામ ગોપાલ મિશ્રા નામના યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ હિંસા ફાટી નિકળી અને રોષિત ટોળાએ જિલ્લામાં ભારે ઉતપાત મચાવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક