• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

મેઘરાજા મહેરબાન, ખેડૂત પરેશાન

જન્માષ્ટમીના પર્વના દિવસો સહિત આ વર્ષે ચોમાસું ગુજરાતમાં ઘણું સારું રહ્યું. તેમાં પણ સૌરાષ્ટ્ર પર તો વરસાદે કૃપા વરસાવી દીધી. પીવાના પાણીનો પ્રશ્ન આ વર્ષે રહ્યો નહીં. પરંતુ અત્યંત વરસાદને લીધે કૃષિક્ષેત્ર પર માઠી અસર પડી છે. શરૂઆતમાં જે મેઘકૃપા હતી તે ઋતુ પૂર્ણ થતાં સુધીમાં કહેર બની ગઈ. કપાસ અને મગફળી વાવનાર ખેડૂત વર્ગ મૂંઝવણમાં છે. ખરીફપાકની મુખ્ય જણસ મગફળી અને કપાસમાં નુકસાન ઘણું છે, આંકડાકીય તારણ તો હવે આવશે પરંતુ ખેડૂતે સરકારી રાહત-સહાય પર આધારિત રહેવું પડશે. આર્થિક વળતર સરકાર ચૂકવશે તેવી આશા છે પરંતુ પાકને જે નુકસાન થયું છે તેને લીધે ખેડૂત નિરાશ છે.

પાછોતરો કહેવાય તેવો વરસાદ ઘણા વર્ષો પછી સૌરાષ્ટ્રમાં વધારે પડયો છે. ઋતુની શરૂઆત સારી હતી. સમયસર વરસાદ અને વરાપને લીધે વાવેતર પણ સારું થયું હતું પરંતુ ઓક્ટોબર -આસો માસમાં પણ વરસાદ વરસ્યો જેને લીધે સૌરાષ્ટ્રમાં ખેતીના વિવિધ પાકના વાવેતર પર અસર થઈ રહી હોવાનો પ્રાથમિક અંદાજ છે. અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ જિલ્લાના ગામોમાં મગફળીનું વાવેતર નિષ્ફળ ગયું છે. ક્યાંક તો પાવડાથી મગફળી કાઢવી પડી તેટલું પાણી ભરાયું છે. નવરાત્રિ અને તે પછી પણ વીજળીના આંખ આંઝતા ચમકારા અને ભારે વરસાદ પડયો છે. જેતપુર, અમરેલી વગેરે વિસ્તારમાં વાવેલી મગફળીને નુકસાન થયું છે. નવરાત્રિથી દિવાળીની વચ્ચે મગફળી કાઢી જ લેવી પડે પરંતુ અત્યારે ખેડૂત કાઢે તો પણ કદડો નીકળી રહ્યો છે.

કપાસમાં પણ સ્થિતિ એવી જ છે. પહેલી-બીજી વીણીમાં જ ગુણવત્તાવાળો કપાસ નીકળે પરંતુ ભારે પવન અને સતત વરસાદને લીધે કપાસના ફૂલ ખરી ગયાં છે. સોયાબીનને પણ નુકસાન છે. વરસાદ જે રીતે પડયો તે જોતાં નદીઓ હજી વહે છે, કૂવા છલોછલ છે. રાજ્યમાં 139 ડેમ 100 ટકા જળરાશિથી ભરાયા છે. 70 ટકાથી 100 ટકા વચ્ચે ભરાયા હોય તેવા ડેમની સંખ્યા 46 છે. ફક્ત 4 જ ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. સિંચાઈના પાણીની આ વર્ષે નિરાંત છે પરંતુ વધારે પડતા વરસાદે ખેલ બગાડયો છે.

ગુજરાતમાં ચોમાસું આ વર્ષે સરેરાશ કરતાં પણ સારું રહ્યું. 2021ના વર્ષમાં 827 મી.મી. વરસાદ પડયો હતો જે ઋતુનો 98.48 ટકા વરસાદ હતો. આ વર્ષે 2024માં 1243 મી.મી. એટલે કે સરેરાશ 49.72 ઈંચ વરસાદ વરસ્યો છે. જે ઋતુનો 140 ટકા વરસાદ છે. સૌરાષ્ટ્રમાં મોસમનો કુલ વરસાદ 152.22 ટકા છે. આટલો વરસાદ પડયો હોવા છતાં પાકને તો નુકસાન છે. કદાચ આટલો વરસાદ પડયો એટલે જ અમુક પાકને નુકસાન છે. મગફળી અને કપાસના વાવેતરમાં થયેલાં નુકસાનનો અંદાજ નીકળે તે જરૂરી છે. સરકારે સહાય આપવી પડશે તે નક્કી છે. ક્યારે અને કેટલી આપશે તે જ જોવાનું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક