• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ગાઝા અને લેબેનોન મોરચે દુનિયા વિનાશની આગ ઠારે

પશ્ચિમ એશિયા અને મધ્ય-પૂર્વ એશિયાના દેશોમાં દિવસો દિવસ ભીષણ બની રહેલા જંગને લીધે વિશ્વભરનો શ્વાસ અદ્ધર થયેલો છે. હમાસના ખાતમા માટે પેલેસ્ટાઇન પર આક્રમણ કરનારાં ઇઝરાયલ સામે હિઝબુલ્લાહ અને ઇરાને હુમલા કરતાં આ લોહિયાળ સંઘર્ષનો વ્યાપ વિસ્તરી ચૂક્યો છે. હિઝબુલ્લાહે હમાસનાં સમર્થનમાં ઇઝરાયલ પર હવાઇ હુમલા કરતાં યહૂદી સૈન્યએ લેબેનોનમાં આક્રમણનો મોરચો ખોલી નાખ્યો છે. લેબેનોનમાં હિઝબુલ્લાહની ટોચની નેતાગીરીને નિશાન બનાવવાની સાથોસાથ આ આતંકી સંગઠનનાં ઠેકાણાઓના ખાતમા માટે ઇઝરાયલી સૈન્યએ હવાઇ હુમલાની સાથોસાથ જમીની આક્રમણ પણ શરૂ કર્યું છે.  પેલેસ્ટાઇનની જેમ લેબેનોનમાં ભારે નુકસાની થઇ રહી છે અને નિર્દોષ લોકો આ જંગમાં અટવાઇ ગયા છે.

ઇઝરાયલી હુમલામાં હિઝબુલ્લાહની કેટલી ખુવારી થઇ તેની કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી.

લેબેનોનમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક ઇમારતને નિશાન બનાવાતાં યુએનના શાંતિ સ્થાપક દળના બે જવાન ઘાયલ થઇ ગયા હતા. આ બન્ને સૈનિક ઈન્ડોનેશિયાના નાગરિક છે.  ઉલ્લેખનીય છે કે, છેક 1978થી લેબેનોનમાં તૈનાત સંયુક્ત રાષ્ટ્ર સંઘનાં શાંતિદળો જોખમો સામે સાબદાં રહેવા ઉપરાંત જરૂરતના સમયે લોકોની માનવીય મદદ કરતાં રહ્યાં છે. આ ઉપરાંત ઇઝરાયલે લેબેનોનની રાજધાની બૈરુતમાં અન્ય એક ઇમારત પર હુમલા કરતાં તેમાં 22 જણનાં મોત નીપજ્યાં હતાં અને 177 ઘવાયા હતા.

એવું નથી કે, ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે આ પ્રથમ જંગ છે. 2006માં બન્ને વચ્ચે થયેલી લડાઇમાં બન્ને દેશોએ પોતાને વિજયી જાહેર કર્યા હતા. જો કે, ઇઝરાયલે પછીથી પોતાની હાર સ્વીકારી લીધી હતી. તે જંગમાં હિઝબુલ્લાહએ જમીની લડાઇમાં ઇઝરાયલી દળોને પ્રથમ વખત હારનો સ્વાદ ચખાડયો હતો.

પણ, 2006ના પરાજય બાદ ઇઝરાયલની તાકાત અનેકગણી વધી ગઇ છે. તેનાં ભાથાંમાં આધુનિક શસ્ત્રોનો ભંડાર છે. એટલા માટે જ તે ગાઝામાં હમાસ અને હવે લેબેનોનમાં હિઝબુલ્લાહ એમ બે મોરચે આક્રમણ કરી રહ્યંy છે.

જો કે, આવનારા દિવસોમાં ઇઝરાયલ ઇરાને તેના પર કરેલા મિસાઇલ હુમલાનો બદલો લેવા વધુ એક મોરચો ખોલે તો વાત કાબૂ બહાર જઇ શકે તેમ છે. ઇરાને હિઝબુલ્લાહનાં સમર્થનમાં ઇઝરાયલ પર મિસાઇલો દાગીને પડકાર ફેંક્યો હતો. હવે તાજા અહેવાલ મુજબ ઇઝરાયલે ઇરાનનાં અણુ મથકો પર સાયબર હુમલો કર્યો છે. આવનારા દિવસોમાં ઇઝરાયલ હમાસ અને હિઝબુલ્લાહની સાથે ઇરાન પર પણ આક્રમણ કરી શકે તેમ છે. આવી અટકળોએ દુનિયાની સામે શાંતિ માટે પહેલ કરવાની ફરજ પડી રહી છે. ખાસ તો બન્ને પક્ષો સંયમ જાળવે તો વિનાશની આગને શાંત પાડી શકાય એ વાત ઇઝરાયલ અને તેના દુશ્મનોનાં ગળે ઉતારવી વિશ્વનાં હિતમાં બની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક