• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

ભારતે હવે બિશ્નોઈ ગેંગ મુદ્દે કેનેડાને આડેહાથ લીધું

લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં ગુંડાઓની ધરપકડનાં અનુરોધ પણ કેનેડાએ ગણકાર્યા નહોતા : ભારત

નવી દિલ્હી, તા.17: નિજ્જર હત્યાકાંડમાં ભારતને કોઈ નક્કર પુરાવા અપાયા ન હોવાનાં કેનેડાનાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની કબૂલાત પછી ભારતે ફરી એકવાર કેનેડાની બે મોઢાની વાતો ઉઘાડી પાડતો હુમલો બોલાવ્યો છે. વિદેશ મંત્રાલયે ટ્રુડોની એ કબૂલાત પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે કેનેડાના વડા પ્રધાને સ્વીકાર્યું હતું કે નિજ્જર કેસમાં ભારત સાથે માત્ર ગુપ્તચર માહિતી શેર કરવામાં આવી હતી, કોઈ નક્કર પુરાવા નહીં. આ સાથે જ હવે ભારતે લોરેન્સ બિશ્નોઈ ગેંગના કેસમાં કેનેડાને નિશાને લીધું છે. ભારતે કહ્યું છે કે, માગવા છતા 26 વોન્ટેડ અપરાધીઓનાં પ્રત્યાર્પણમાં કેનેડા આગળ આવ્યું નથી. ભારતમાં ડ્રગ્સની તસ્કરીથી માંડીને ખંડણી અને હત્યા સહિતનાં ગંભીર ગુનામાં સંડોવાયેલા તત્ત્વો માટે કેનેડા અડ્ડા સમાન બની ગયું હોવાનું પણ ભારતે ગણાવ્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, અમે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોની ધરપકડ કરવા માટે કેનેડાને ઘણા અનુરોધ કર્યા હતાં પણ કેનેડાએ અમારી ચિંતાઓ પર કોઈ પગલાં લીધાં નથી. તેના રાજકીય કારણો છે.

રણધીર જયસ્વાલે કહ્યું, અમે આ ચોક્કસ મુદ્દા પર અમારું વલણ સ્પષ્ટ કરી દીધું છે. તમે છેલ્લા બે દિવસમાં અખબારી યાદીઓ જોઈ હશે જેમાં અમે કહ્યું છે કે સપ્ટેમ્બર 2023 થી કેનેડાએ અમે કોઈ માહિતી શેર કરી નથી. તેમણે કહ્યું, ગઈકાલે (બુધવારે) અમે ફરીથી એક નિવેદન બહાર પાડયું હતું જેમાં અમે કહ્યું હતું કે કેનેડાએ માત્ર ગંભીર આક્ષેપો કર્યા છે પરંતુ આ આરોપો માટે કોઈ પુરાવા આપ્યા નથી. જ્યાં સુધી આરોપોની વાત છે, ગઈકાલે વડા પ્રધાન ટ્રુડોની પોતાની કબૂલાત તેમના આક્ષેપોની કિંમત દર્શાવે છે. અમે અમારા રાજદ્વારીઓ સામે લગાવવામાં આવેલા આરોપોને સ્પષ્ટ રીતે નકારી કાઢીએ છીએ. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક