ઉત્તર
પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ પર બીજી વાર સર્વે કરવાના મુદ્દે ઊભા થયેલા વિવાદે રવિવારે
હિંસક રૂપ લીધું હતું. સર્વે દરમિયાન બેકાબૂ ભીડે પોલીસ પર પથ્થરમારો કરીને પોલીસ વાહનોને
આગ ચાંપી હતી. જવાબમાં પોલીસે ટીયર ગૅસના સેલ અને લાઠીચાર્જ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ
મેળવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં 20થી વધારે પોલીસ જવાન અને બે ડઝનથી વધુ લોકો ઘવાયા
છે. આ ઘમસાણમાં ત્રણનાં મોત થયાં છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસને 100 રાઉન્ડ ગોળીઓ
છોડવી પડી હતી.
આ બનાવ
પછી જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ સંભલમાં થયેલી હિંસા અંગે ભારે
નારાજગી વ્યક્ત કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે જમિયત ઉલેમા-એ-હિંદ કોઈપણ
પક્ષ અને ઉપદ્રવી હિંસાનું સમર્થન નથી કરતી, પરંતુ પોલીસની આ બર્બર કાર્યવાહી અન્યાયપૂર્ણ,
સાથે ભેદભાવપૂર્ણ છે, જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે. વાસ્તવમાં શું બન્યું તેને
લઈ લાગે છે કે મૌલાના મદની અજાણ હોવા જોઈએ. કારણ કે હિંસાની શરૂઆત ક્યાંથી થઈ તે તેઓ
જાણતા નથી લાગતા. વાસ્તવમાં કોર્ટના આદેશ પર સર્વેક્ષણ થઈ રહ્યું હોય તો તેનો હિંસક
વિરોધ કેવી રીતે થઈ શકે? જો હિંસા ભીડ દ્વારા શરૂ થઈ ન હોત અને તે ભીડે આક્રમક રૂપ
ધારણ ન કર્યું હોત અને પોલીસને બળ વાપરવાની કોઈ જરૂર જ ન પડી હોત.
સંભલની
સ્થાનિક કોર્ટે એક અરજી પર જામા મસ્જિદના સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો, જેમાં દાવો કરવામાં
આવ્યો હતો કે મોગલ બાદશાહ બાબરે આ મસ્જિદનું નિર્માણ એક મંદિરના સ્થળે કર્યું હતું.
સ્થાનિક કોર્ટના આદેશ પર મંગળવારે પણ જ્યારે પ્રારંભિક સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે
પણ આ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી, પરંતુ તે કન્ટ્રોલ કરવામાં આવી હતી. આને લઈ રવિવારે
બનેલી ઘટના પૂર્વ નિયોજિત હોવાની પૂરેપૂરી શંકા છે.
એ કમનસીબી
છે કે મંદિર-મસ્જિદના એક વધુ કેસમાં તાણભરી સ્થિતિ ઊભી થઈ. જો મસ્જિદ પક્ષનું એમ માનવું
હોય કે જામા મસ્જિદના સર્વેનો આદેશ યોગ્ય નથી તો તેઓ ઉપલી કોર્ટમાં જઈ શકતા હતા. જ્યારે
કોર્ટમાં જવાનો માર્ગ મોકળો હોય ત્યારે નીચલી કોર્ટના કોઈપણ આદેશની અવહેલના અને હિંસાનો
સહારો લેવાનું કોઈ ઔચિત્ય નથી. આ પહેલાં પણ વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરનું સર્વેક્ષણ
થયું છે અને ધારમાં ભોજનશાળાના પરિસરનું, મથુરામાં ઈદગાહ પરિસરના સર્વેક્ષણનું પ્રકરણ
સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.
મંદિર-મસ્જિદના
વિવાદ કંઈ નવા નથી. આવા વિવાદોના ઉકેલ માટે જ્યારે કોર્ટનો સહારો લેવામાં આવે તેમાં
પણ કશું ખોટું નથી. ખોટું છે આ સંદર્ભમાં આવેલા આદેશની ખુલ્લેઆમ અવહેલના-તિરસ્કાર કરવો.
આવાં તત્ત્વો વિરુદ્ધ કાયદો તો કાયદાનું કામ કરશે પણ સરકારે પણ આકરામાં આકરાં પગલાં
લેવાં રહ્યાં એનો ઈનકાર ન થઈ શકે કે વિદેશી આક્રમણખોરોએ અગણિત મંદિરોનો ધ્વસં કર્યો,
મંદિરો પર મસ્જિદો બાંધી અને હવે તેનો પર્દાફાશ થતો અટકાવવો કેવી રીતે ઉચિત લેખી શકાય?