ગુજરાત અને હરિયાણામાં સુરક્ષા-ગુપ્તચર એજન્સીઓએ કરેલી કાર્યવાહી માટે તેને અભિનંદન આપવા પડે. જે ઓપરેશન્સ આતંકવાદ વિરોધી દળ અને સાથીઓએ પાર પાડયાં તે સરાહનીય છે સાથે જ આ સ્થિતિ દેશ માટે ચિંતાજનક છે. ઘટનાઓની તપાસ ચાલી રહી છે પરંતુ બાળક પણ કહી શકે કે આવા ષડયંત્રોની પાછળ પાકિસ્તાન સિવાય કોઈનો હાથ હોઈ શકે નહીં. સરહદે થતાં અડપલાંને તો સેનાની શક્તિ અને શાસકોના સામર્થ્યએ જડબાતોડ જવાબ હજી હમણાં, મે માસની છઠ્ઠી તારીખે આપ્યો હતો. પરંતુ દેશને ખતરો તો આ આંતરિક ગદ્દારોથી પણ છે. ગુજરાત એ.ટી.એસ. દ્વારા રવિવારે અને હરિયાણા- જમ્મુ કાશ્મિર પોલીસે સોમવારે જે કાર્યવાહી કરી છે તેના ઉપરથી સ્પષ્ટ છે કે આતંકવાદીઓ અત્યંત ઘાતક ઈરાદા સાથે સક્રિય છે. કમનસીબે આ લોકો સહદની પેલેપારથી અહીં પરંતુ દેશની અંદરથી જ કામ કરી રહ્યા છે.
ગાંધીનગર-અડાલજ
પાસેથી ત્રણ આતંકવાદી રવિવારે સવારે ઝડપાયા
હતા. હથિયાર મેળવીને તેઓ ગુજરાતમાં અને દેશના અન્ય કોઈ હિસ્સામાં આતંકી હુમલો કરવાની
તૈયારી કરી રહ્યા હતા. પ્રાથમિક અહેવાલ અનુસાર આ આતંકીઓનો ઈરાદો રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘના લખનૌ કાર્યાલય અન દિલ્હીની આઝાદપુર મંડીમાં ભયાનક હુમલો કરવાનો હતો. ત્રણ પૈકીનો
એક આરોપી ડો. અહેમદ મોયુદ્દીન ગુજરાતમાં હુમલો કરવા માટે હૈદરાબાદથી અમદાવાદ આવ્યો
હતો. આ પ્રકરણની હજી કડીબદ્ધ તપાસ ચાલી રહી છે ત્યાં જ સોમવારે દિલ્હી નજીકથી સ્ફોટક
સામગ્રી ઝડપાઈ છે.
હરિયાણા
અને જમ્મુ કાશ્મીર પોલીસે ફરિદાબાદમાંથી એક મકાનમાંથી એમોનિયમ નાઈટ્રેટ અને હથિયારનો
જથ્થો ઝડપ્યો છે. ગુજરાતમાં જે થયું તેમાં આઈએસઆઈએસ અને હરિયાણા-દિલ્હીમાં જૈશ એ મહંમદના
તાર ખૂલ્યા છે. ઘાતક ઈરાદાની સિલસિલાબંધ વાતો તો બહાર આવી રહી છે પરંતુ સૌથી અગત્યની
વાત એ છે કે અહીં જે વ્યક્તિ ઝડપાયો છે તે વ્યવસાયે પ્રોફેસર છે અને ફરિદાબાદમાં જેના
ભાડાંના રુમમાંથી આ વસ્તુઓ પકડાઈ છે તે ડોક્ટર છે. શિક્ષિત મુસલમાનો આ કટ્ટર પ્રવૃત્તિઓમાં
સક્રિય છે તે વધુ એકવાર સ્પષ્ટ થયું છે. હુમલો સંઘ કાર્યાલય પર થવાનો હોય કે અન્યત્ર
તે અગત્યનું નથી પરંતુ દેશની અંદર જ આવી પ્રવૃત્તિઓ ધમધમે છે અને પાકિસ્તાની આતંકવાદી
સંગઠનોને પોતાનું કામ કરાવવા માટે આપણે ત્યાંથી જ માણસો મળી રહે છે.
ઓપરેશન
સિંદૂરમાં જડબાતોડ જવાબ મળ્યા પછી પણ પાકિસ્તાની આતંકી સંગઠનો સુધરતા નથી. ભારતની આ
એજન્સીઓએ કરેલી કાર્યવાહીથી પ્રજાને રાહત થઈ છે. એટીએસ અને પોલીસતંત્ર બન્નેની સતર્કતા
અને સમયસૂચકતા પ્રશંસનીય છે. ગુજરાત એટીએસ તો વારંવાર આવા ષડયંત્રો નિષ્ફળ બનાવે છે.
રાજકોટમાંથી ઝડપાયેલા બે સગાભાઈ કે પોરબંદરમાંથી વિદેશ જવાની પેરવીમાં રહેલા શંકાસ્પદ
લોકોથી લઈને રવિવાર સુધીના ઓપરેશન્સ તેની ડાયરીમાં છે. સલામતી દળની નિષ્ઠા તો છે જ,
પરંતુ આવી પ્રવૃત્તિ કરનારાઓ પણ વધી રહ્યા છે. એક દિવસ ગાંધીનગર, બીજા દિવસે દિલ્હી
કે ફરિદાબાદ. આ નેટવર્ક કેટલું અને કેવું હશે? કટ્ટરતા શિક્ષણથી ઉપર છે તેવું પણ અહીં
સાબિત થાય છે. આ સ્થિતિમાં આંતરિક સલામતી, લોકોની સતર્કતા પણ જરૂરી છે.