• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

દિલ્હીમાં 26-11 જેવા હુમલાનો કારસો હતો

 

- બે વર્ષથી ભેગા કરી રહ્યાં હતાં વિસ્ફોટક : દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ સાથે દેશભરનાં રેલવે સ્ટેશન, મોટા મોલ નિશાન પર હતા

 

નવી દિલ્હી, તા. 12 : દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા લોહિયાળ બોમ્બ ધડાકાના દેશભરમાં ઉચાટ ફેલાવનારા મામલામાં નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. આતંકવાદીઓએ 200 બોમ્બ (આઇડીડી)થી 26-11 જેવો હુમલો કરવાનો નાપાક કારસો ઘડયો હતો, તેવો ધડાકો પણ થયો છે.

અહેવાલો અનુસાર 26-11 જેવો હુમલો કરી, આતંકવાદીઓ દિલ્હી, ગુરુગ્રામ અને ફરીદાબાદને નિશાન બનાવવા માગતા હતા. આ માટે છેલ્લા બે વર્ષથી વિસ્ફોટક પદાર્થ એકત્રીત કરવામાં આવી રહ્યાં હતાં.

દિલ્હીના લાલ કિલ્લા, ઇન્ડિયા ગેટ, કોંસ્ટિટયૂશન ક્લબ અને ગૌરીશંકર મંદિર જેવાં પ્રમુખ સ્થળો પસંદ કરાયાં હતાં. એ સિવાય દેશભરના મોટા રેલવે સ્ટેશનો અને મોટા મોલ્સ નિશાન પર હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર લોહિયાળ હુમલા કરવાનો કારસો જાન્યુઆરીથી જ ઘડાઇ રહ્યો

હતો. તપાસ  એજન્સીઓએ કહ્યું હતું કે, આતંકીઓનો ઇરાદો ધાર્મિક સ્થળો પર હુમલા કરીને સાંપ્રાદાયિક તાણ ફેલાવવાનો હતો.

આ નાપાક ઇરાદો પાર પાડવા માટે જ જૈશના આતંકવાદીઓએ કાશ્મીરના પુલવામા, શોપિયાં અને અનંતનાગના કેટલાક તબીબો પસંદ કર્યા હતા, જેથી કોઇને શંકા જઇ ન શકે.

દરમ્યાન, કાર ચલાવનારા આતંકવાદી ડોક્ટર ઉમરની માતાના ડીએનડી નમૂના પરીક્ષણ માટે એઇમ્સની ફોરેન્સિક લેબમાં મોકલી દેવાયા હતા.

કારે કોઇ નિશાન કે બિલ્ડિંગ પર ટક્કર મારી નહોતી. મતલબ કે આ એક આત્મઘાતી કાર બોમ્બ હુમલો હતો નહીં.

દિલ્હીમાં ધડાકા પાછળ જૈશ-એ-મોહમ્મદના નવાં વ્હાઇટ કોલર મોડયૂલનો હાથ હોવાની વાત સામે આવી છે. દિલ્હી ધડાકાના 37 દિવસ પહેલાં ચોથી ઓક્ટોબરના સહારનપુરમાં એક શાદી દરમ્યાન આ જૂથ રચાયું હતું.

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ મામલે તપાસ એજન્સીઓએ મહત્ત્વનો ખુલાસો કર્યો છે. સૂત્રો અનુસાર હુમલાના મુખ્ય સાજીશકર્તાના રૂપમાં ડો. ઉમર ઉન નબીનું નામ સામે આવ્યું છે. કહેવાય છે કે તે ફરીદાબાદ મોડયુલનો સૌથી કટ્ટર સભ્ય હતો. આ મોડયુલમાં ડો. મુઝમ્મિલ અહમદ, ડો. અદીલ મજીદ રાથર અને ડો. શાહીન શાહિદ સામેલ હતા. દેશભરમાં આતંકી હુમલા કરવા બે વર્ષથી વિસ્ફોટક પદાર્થ એકત્રિત કરવામાં આવી રહ્યા હતા. કાર્યવાહીમાં મૌલવીઓના એક આતંકી નેટવર્કનો પણ ભાંડાફોડ થયો છે. જેમાં મૌલવી સામાનની હેરફેરથી લઈને શિક્ષિત યુવાનોને આતંકી બનાવવાની ગતિવિધિ કરી રહ્યા હતા.

સૂત્રો અનુસાર પૂછપરછ દરમિયાન શાહીન શાહિદે કબૂલ્યું છે કે ઉમર દેશભરમાં આતંકી હુમલા કરવાની વાત કરતો હતો. તેઓ તમામ અલ ફલાહ મેડિકલ કોલેજ, ફરીદાબાદમાં સાથે કામ કરતા હતા અને કામ બાદ બેઠકોમાં આતંકી ગતિવિધિની યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવતી હતી. તપાસ એજન્સીઓ અનુસાર ઉમર, મુજમ્મિલ અને અદીલ બે વર્ષથી એમોનિયમ નાઈટ્રેટ જેવા વિસ્ફોટક પદાથો જમા કરી રહ્યા હતા. જેનો હેતુ જૈશના નિર્દેશ ઉપર દેશભરમાં આતંકવાદી હુમલા કરવાનો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક