અજરબૈજાનથી
તુર્કી માટે રવાના થયેલું વિમાન એકાએક દુર્ઘટનાગ્રસ્ત
ઈસ્તાંબુલ,
તા. 12 : તુર્કીનું એક સૈન્ય માલવાહક વિમાન અજરબૈજાનની સરહદ નજીક જોર્જિયામાં દુર્ઘટનાગ્રસ્ત
થયું હતું. વિમાનમાં ચાલક દળ સહિત 20 સૈન્ય કર્મચારી સવાર હતા. તુર્કી અને જોર્જિયાના
અધિકારીઓ દ્વારા વિમાન ક્રેશ થવાના બનાવની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે જીવ ગુમાવનારા
લોકોની સંખ્યા અંગે કોઈ સટિક જાણકારી આપવામાં આવી નથી.
તુર્કીની
સમાચાર ચેનલોમાં બતાવવામાં આવેલા વીડિયોમાં વિમાન ઝડપથી નીચે પડતું જોવા મળે છે. બાદમાં
ધુમાડાના ગુબ્બારા સાથે દુર્ઘટનાગ્રસ્ત થઈ રહ્યું છે. તુર્કીના રક્ષા મંત્રાલય દ્વારા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર જાણકારી શેર કરવામાં આવી છે કે સી-130 વિમાન અજરબૈજાનથી
ઉડાન ભરીને તુર્કી પરત ફરી રહ્યું હતું. આ સમયે દુર્ઘટના નડી હતી. રાષ્ટ્રપતિ તૈયબ
અર્દોગને બનાવ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી હતી.
જેનાથી સંકેત મળે છે કે વિમાન દુઘર્ટનામાં મોટી જાનહાની થઈ છે.