• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

શેરીના શ્વાન : અવ્યવહારુ ચુકાદો

શેરીના ‘આવારા’ શ્વાન અને મહાનગર મુંબઈમાં કબૂતરખાનાંનો વિવાદ ‘શેરી’થી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. હવે સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો પણ વિવાદાસ્પદ અને અવ્યવહારુ હોવાની ટીકા થઈ છે. શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે સ્ટેશનો, ખાનગી કે સરકારી હૉસ્પિટલો વગેરે જાહેર સ્થળોએ જેટલા ‘આવારા’ શ્વાન હોય તે તમામને અલગ નિર્ધારિત ‘આશ્રય સ્થાન’માં મોકલવાનું જણાવાયું છે. દરેક શ્વાનની રસીકરણ અને ખસીકરણ કરવાનું પણ આદેશમાં જણાવ્યું છે. એટલું જ નહીં - આ તમામ જાહેર સ્થળોના સંચાલકોએ ખાતરી રાખવી પડશે કે આ શ્વાન સેના ફરીથી એમના મૂળ સ્થળે ‘ઘર-વાપસી’ કરે નહીં અને જો પાછા આવે તો તે વહીવટી બેદરકારી ગણાશે.

સુપ્રીમ કોર્ટે દેશભરમાં અનેક સ્થળોએ લોકોને શેરીના શ્વાન કરડયા હોવાની નોંધ લઈને આ ચુકાદો આપ્યો છે પણ પ્રશ્ન એ છે કે ચુકાદાનો અમલ શક્ય અથવા સરળ છે ખરો? ‘પેટા’ (પશુઓ ઉપર અત્યાચાર નિવારવા અભિયાન ચલાવતી સંસ્થા)ના અંદાજ મુજબ દેશભરમાં સવા પાંચ કરોડ જેટલા શેરી શ્વાન છે અને 80 લાખ જેટલા શ્વાન કામચલાઉ આશ્રય સ્થાનના નામે પિંજરામાં પુરાયેલા છે. શ્વાન ઉપરાંત 50 લાખ જેટલા પશુ-મોટે ભાગે વસૂકી ગયેલી ગાય અને બળદ શેરીઓમાં ભટકી રહ્યાં છે. ‘આવારા શ્વાન’ના નામે કેટલા પશુઓની અટકાયત કરીને જેલમાં પૂરી શકાશે?

‘એનિમલ બર્થ કન્ટ્રોલ’ના નિયમ અનુસાર શેરીના શ્વાન ‘આવારા’ નથી. નિશ્ચિત સ્થળને ‘રહેઠાણ’ માને છે તેથી ‘સમાજ-કમ્યુનિટી’ના શ્વાન છે. સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ થયું છે કે ‘આવારા નહીં હમારા’ છે.

મુખ્ય પ્રશ્ન જાહેર સ્થળોના સંચાલનનો છે. ચોકીદાર હોય તો પણ ક્યાં સુધી શ્વાન-પ્રવેશ રોકી શકે? અને જો સફળ થાય નહીં તો સંચાલકો પર કાયદેસર પગલાં ભરાશે? મુખ્ય સમસ્યા શેરીના શ્વાનો માટે ‘આશ્રય સ્થાન’ના પ્રબંધની છે. મુંબઈ જેવા મહાનગરમાં જૂના બિલ્ડિંગોના રહેવાસીઓ માટે ટ્રાન્ઝિટ કૅમ્પ-કામચલાઉ રહેઠાણની સમસ્યા ગંભીર છે ત્યાં આ વધારાની વ્યવસ્થા કરવી પડશે. મહાનગર મુંબઈમાં કબૂતરખાનાં બંધ કરાવ્યાં પછી ચાર સ્થળો નિશ્ચિત કરવામાં આવ્યાં છે - જ્યાં રોજ સવારે સાતથી નવ વાગ્યા સુધી ‘ચણ’ નાખી શકાય. આ વચગાળાની વ્યવસ્થા છે પણ તેનું સંચાલન કરવા હજી કોઈ સંસ્થા આગળ આવી નથી.

અદાલતે જાણવું જોઈએ કે દેશભરમાં ઘૂસણખોરોને પકડવાનું આસાન નથી - ત્યાં શાસકો માટે આ વધારાની જવાબદારી આવી છે.કોર્ટ સુપ્રીમ છે પણ મૌખિક આદેશ ઉપર સહી-સિક્કા થાય તે પહેલાં પ્રતિપક્ષને રજૂઆત કરવાની મંજૂરી મળી નહીં તે ખેદજનક છે.

ઇ-પેપરના નવા શુલ્ક