• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

પાંચ રાજ્યમાં 10 ઠેકાણે NIAનાં દરોડા

- અલ-કાયદા ગુજરાત આતંકી કાવતરાના કેસમાં એનઆઈએની ધોંસ: ડિજિટલ ઉપકરણો અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત

 નવીદિલ્હી,તા.12: ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સંબંધિત અલ-કાયદા ગુજરાત આતંકી કાવતરાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ) દ્વારા આજે પાંચ રાજ્યોમાં દસ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં એજન્સીએ પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં શકમંદો અને તેના મળતિયાઓના સ્થળોએ એકસાથે ધોંસ બોલાવીને તપાસ હાથ ધરી હતી.

એનઆઈએ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, આ તપાસ દરમિયાન અનેક ડિજિટલ ઉપકરણો અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત સામગ્રીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી રહી છે.

આ કેસ મૂળ રૂપે જૂન 2023માં એનઆઈએ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ, ભારતીય દંડ સંહિતા અને વિદેશી અધિનિયમની વિવિધ કલમો હેઠળ નોંધાયો હતો. અત્યાર સુધીની એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું છે કે ચાર બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ સોજિબ મિયાં, મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મુન્ના ખાન, અજરુલ ઇસ્લામ ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશ ખાન અને અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનુલ અંસારીએ નકલી ભારતીય ઓળખપત્રોનો ઉપયોગ કરીને બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો.

આ તમામ પ્રતિબંધિત અલ-કાયદા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. તે બાંગ્લાદેશમાં અલ-કાયદાના સાથીઓ માટે નાણાં એકત્ર કરવા અને તે ટ્રાન્સફર કરવા સાથેસાથે મુસ્લિમ યુવાનોને ઉશ્કેરવામાં પણ સક્રિય ભૂમિકામાં હતાં.10 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદ સ્થિત એનઆઈએની વિશેષ અદાલતમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. આતંકવાદ વિરોધી એજન્સીએ આગળ જણાવ્યું કે ભારત અને સરહદ પાર સક્રિય આતંકી નેટવર્કની હાજરી, સંબંધો અને નાણાકીય માધ્યમો શોધવા માટે કેસમાં તપાસ ચાલુ છે.

ઇ-પેપરના નવા શુલ્ક