દેશના નાગરિકોને સાવ વિનામૂલ્યે અને પરીશ્રમ વગર મળતી સુવિધાઓ સંદર્ભે સુપ્રીમ કોર્ટ ફરીથી આકરું વલણ અપનાવી રહી છે. મુખ્ય ન્યાયાધીશે સણસણતો અને સીધો સવાલ પુછયો છે કે, ક્યાં સુધી આવી રીતે મફત ખાવાનું કે સુવિધાઓ આપતા રહેશો ? વિવિધ રાજ્યની સરકારોને ટકોર કરતા સર્વોચ્ચ અદાલતના જસ્ટીસે કહ્યું છે કે, ખેરાત આપવાને બદલે રોજગાર આપો તે વધારે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રેવડી કલ્ચર ઉપર કોર્ટે વારંવાર પોતાના ચુસ્ત અભિપ્રાય આપ્યા છે. કોઈ રાજકીય પક્ષ જો કે, આ મફત સુવિધાઓ આપવામાંથી બાદ નથી. એકબીજાનો વિરોધ કરે છે પરંતુ દરેક પક્ષ અલગ અલગ રીતે મત માટે મફતના શરણે જ જાય છે.
ચીફ જસ્ટીસ સૂર્યકાંતે ગુરુવારે એક સુનાવણી દરમિયાન કહ્યું કે, વિવિધ પ્રકારની મફતની યોજનાઓ માટે જે ખર્ચ
થાય છે તે આખરે કરદાતાઓ સિવાય કોણ ઉઠાવશે ?
પહેલા તો ભોજન અને વીજળી મફત અપાતા હતા. હવે નાગરિકોના ખાતામાં સીધા જ પૈસા જમા
થાય છે. કોર્ટે કહ્યું કે, સરકારે રોજગારીની તકો
ઉપર ધ્યાન આપવું જોઈએ. વિકાસ પાછળ હવે ખર્ચ ઓછો થઈ રહ્યો છે. મફત સુવિધા તથા રોકડા
રૂપિયા આપવાની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટે આર્થિક સમજદારીથી પર એવી બાબત ગણાવી છે અને
કહ્યું છે કે, મફત રેવડી કે ડોલ્સ
આપવાને બદલે રોજગાર ઉત્પન્ન થાય તેને પ્રાથમિકતા આપવી જોઈએ.
સંખ્યાબંધ રાજ્યો રાજકોષીય ખોટનો સામનો કરી રહ્યા છે છતાં કલ્યાણકારી
યોજનાઓ વધારી રહ્યા છે. કર્મચારીઓના વેતન અને મફતની સુવિધાઓ પાછળનો ખર્ચ એટલી હદે વધી
રહ્યો છે કે, સરકાર વિકાસ માટેનું
જરૂરી ફંડ પણ જાળવી રાખવા માટે ક્યારેક અસમર્થ બની જશે. તામિલનાડુ વિદ્યુત વિતરણ નિગમ
વિરૂદ્ધ ભારત સરકારના કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે આ કહ્યું હતું. ચૂંટણી હોય ત્યારે
તો આવી યોજનાઓની જાહેરાતો બધે જ થતી હોય છે. સત્તામાં હોય તે પક્ષ અને સત્તામાં આવવા
ઈચ્છતી પાર્ટી બધા જ રોજગારથી માંડીને અનેક પ્રકારના વચન આપતા હોય છે. સબસીડી કે સંપૂર્ણ
રાહત એવું કંઈપણ થાય તેનો બોજ આખરે તો જે લોકો કરવેરા ભરે છે તેના ઉપર જ આવે. સુપ્રીમ
કોર્ટે આ જ ચિંતા કરી છે અને કહ્યું છે કે,
ક્યાં સુધી કરદાતાઓ ઉપર આ બોજ નાખતા રહેશો ?
આમ પણ લોકશાહીમાં કોઈપણ રાજ્ય કે કેન્દ્ર સરકાર લોકોને કોઈ સુવિધા
કે વિકાસ કામની ‘ભેટ’ આપ્યાનો દાવો કરી શકે નહીં કારણ કે, સમગ્ર ‘તંત્ર’ ‘લોક’ના પૈસા ઉપર જ ચાલતું
હોય છે એટલે જે કંઈ મફત મળે છે તે પણ પ્રજાના પૈસાથી મળે છે. સુપ્રીમ કોર્ટની ચિંતા
એટલા માટે પ્રસ્તુત છે કે, જે મફત અપાય છે તે
એક મોટા વર્ગના ઘરવેરામાંથી જ અપાતું હોય છે.