કોંગ્રેસના સિનીયર નેતા, દેશના અગ્રીમ પંક્તિના વકીલ કપિલ સિબ્બલની ‘હેટ સ્પીચ’ અંગેની અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો. કોર્ટને લાગ્યું કે, આ યાચિકા ફક્ત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે. કપિલ સિબ્બલનો ઈરાદો એવો છે કે, ભાજપના જ નેતા -મુખ્યમંત્રીઓ હેટ સ્પીચ આપે છે તેવું અવલોકન કોર્ટનું છે. ‘હેટ સ્પીચ’ અલબત્ત, નવો મુદ્દો નથી. શેરીમાં યોજાતી ચૂંટણી સભાથી લઈ વિધાનગૃહ કે સંસદના સદન સુધી આ દૂષણ છે. દેશની જનતા જેમને અનુસરતી હોય, ચૂંટતી હોય તેવા લોકો જ્યારે સંયમ ગુમાવે ત્યારે તેની નોંધ લેવાય જ પરંતુ આ મુદ્દે બધા પક્ષો સરખા છે કોણ, ક્યારે શું બોલે તે નક્કી હોતું નથી.
નફરતી ભાષણોને નિયંત્રિત કરતી માર્ગદર્શિકાની જરૂર છે પરંતુ
તે સરળ નથી. પ્રશ્ન તો એ છે કે,
જે લોકો દેશના એક ચોક્કસ વિસ્તાર,
નિશ્ચિત સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે,
નેતૃત્વ કરે છે તેમને વળી કોઈ નિયમ કે માર્ગદર્શિકાની જરૂર ખરી ? આ જવાબદાર નેતાઓને પણ એવું કહેવું પડે, કે તમારે શું બોલવું, શું ન બોલવું ?
પહેલા તો એ નક્કી કરવું પડે કે જે વક્તવ્યોની વાત થાય છે તેને
‘નફરત ફેલાવનારા’ કેવી રીતે ગણવા?
ઘણીવાર કડવું સત્ય બયાન થાય તેને દ્વેષ ફેલાવનારું કહી દેવાય છે. ક્યારેક આવા ભડકામણા
ભાષણોને ‘અતિવ્યક્તિ સ્વતંત્રતા’નું આવરણ પહેરાવવાનો પ્રયાસ થાય છે. જે નેતાઓ આવા ભાષણ
આપે છે તેમાંથી બહુ ઓછા સામે પગલા લેવાયા હોવાના દ્રષ્ટાંત જોવા મળ્યા છે. કાં તો તેમનો
પક્ષ તરત તેના બચાવમાં આવી જાય છે કે પછી તે એવું કહી દે છે કે આ તો એમનો અંગત અભિપ્રાય
છે. તેની સાથે પક્ષને કોઈ નિસબત નથી.
વારંવાર આવા બનાવ બનતા રહે છે. જો આવું નિવેદન જાહેર માધ્યમો
પરથી થયું હાય તો લોકલાજે પણ પગલા લેવા પડે. નુપૂર શર્માએ ટીવી ડિબેટમાં કરેલા નિવેદન
પછી તેઓ પડદે દેખાતા બંધ થયા હતા. તામિલનાડુના મંત્રી ઉદય નિધિએ સનાતન ધર્મને ડેન્ગ્યુ-મેલેરિયા
જેવો કહીને તે ખતમ કરવાની વાત કરી હતી પરંતુ ત્યાંની રાજ્ય સરકારે તેમની વિરૂદ્ધ કોઈ
પગલા ભર્યા નહોતા.
આવા ઝેરીલા પ્રવચનો ઉપર નિયંત્રણ વિવિધ પક્ષોએ મૂકવા જોઈએ, કાયદાકીય રીતે પણ મુકાવા જોઈએ. ચૂંટણી સમયે
‘આચારસંહિતા’ નામની એક ઔપચારિકતા હોય છે. ભડકામણા ભાષણ તો તે સિવાય પણ ચાલુ રહે છે.
આ મુદ્દે સિબ્બલે સર્વોચ્ચ અદાલતના દ્વારે જઈને પોકાર તો કર્યો પરંતુ તેઓએ ભાજપ શાસિત
રાજ્યોનો જ ઉલ્લેખ કર્યો. સર્વોચ્ચ અદાલતની વાત સાચી છે. આ સમસ્યા તો સર્વગ્રાહી છે, પક્ષીય નથી.