અમદાવાદ, તા.19ઃ ટી-20 વર્લ્ડ કપ-2026માં ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં 12 બોલરનો ઉપયોગ કરી ચૂકી છે. જે કોઇ એક ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા દ્વારા ઉપયોગ કરાયેલ સૌથી વધુ બોલર છે. આ પહેલા 2009ના ટી-20 વિશ્વ કપમાં ભારતીય ટીમે 11 બોલરનો ઉપયોગ કર્યો હતો. નેધરલેન્ડ સામેની 17 રનની જીત બાદ ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવને આટલા બધા બોલિંગ વિકલ્પ સંદર્ભે સવાલ થયો હતો. જેના જવાબમાં સૂર્યકુમારે કહ્યું આ એક સારો માથાનો દુઃખાવો છે.
કપ્તાન સૂર્યકુમારે જણાવ્યું કે અમે આખરી ગ્રુપ સ્ટેજના મેચમાં પહેલા બેટિંગ ઇચ્છતા હતા. અમે 190 રન બનાવ્યા. આ પછી ઝાકળ હતી. આથી બોલર્સ માટે પડકારરૂપ સ્થિતિ હતી, આમ છતાં દિવસના આખરમાં ટીમના દેખાવથી ખુશ છું. અમારી શરૂઆત જરૂર ધીમી રહી હતી. ટીમને ખબર હતી કે શિવમ, હાર્દિક, રિંકુ અને વોશિ જેવા ફાયર પાવર છે. જે સારી રીતે ગેમને પૂરી કરશે.
બોલિંગ વિકલ્પના સવાલ પર સૂર્યકુમારે જણાવ્યું કે કોઇ પણ કપ્તાન માટે આ એક સારી સમસ્યા ગણી શકાય. અમારી પાસે નિયમિત બોલર ઉપરાંત બીજા સારા વિકલ્પ છે. જે એક સારું શિરદર્દ છે. શિવમ દૂબેની 66 રનની ઈનિંગ પર કપ્તાને જણાવ્યું કે તે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી પછીથી સારા કોન્ફીડન્સમાં છે. તેની ઇનિંગથી અમારા પરથી પ્રેશર હટી ગયું હતું.