• સોમવાર, 09 માર્ચ, 2026

યુદ્ધની આગમાં સળગતું રસોડું

વિશ્વ રાજકારણની ગાજવીજ હવે સીધી ઘરનાં રસોડાં સુધી આવી પહોંચી છે. પશ્ચિમ એશિયામાં ગયા અઠવાડિયે શરુ થયેલા અનિશ્ચિત કાળના યુદ્ધના તણાવના કારણે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં ઉથલપાથલ સર્જાઈ છે અને તેની અસર ભારતમાં રાંધણ ગેસના ભાવમાં ફરી એકવાર વધારો રૂપે દેખાઈ રહી છે. તાજેતરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં આશરે રૂ.60નો વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય પરિવારના માસિક બજેટ પર ફરી ભાર પડયો છે.

ભારત વિશ્વમાં એલપીજીનો બીજો સૌથી મોટો આયાતકાર છે, 60 ટકા ગેસ આયાત થાય છે.  જેમાંથી 80 ટકાથી વધારે પુરવઠો મધ્યપૂર્વમાંથી આવે છે. તેથી ત્યાં સર્જાતી કોઈ પણ ભૂરાજકીય અશાંતિ સીધી જ ભારતના ભાવ પર અસર કરે છે. 2014માં ગૃહવપરાશના ગેસસિલિન્ડરનો ભાવ 410 આસપાસ હતો, 2018 સુધીમાં તે 500-550 આસપાસ પહોંચ્યો હતો. 2021માં એક શહેરમાં રાંધણગેસના સિલિન્ડરની કિંમત 800 આસપાસ હતી. 2024માં કેન્દ્ર સરકારે રાહત આપતાં ભાવ ઘટયા હતા. વર્ષ 2023માં 14.2 કિલોના સિલિન્ડરની કિંમત લગભગ રૂ.1100ની આસપાસ પહોંચી ગઈ હતી, ત્યાર બાદ કેટલાક ઘટાડા અને વધારાઓ પછી 2025માં આશરે રૂ.50નો વધારો થયો. હવે 2026માં ફરી વધારાની જાહેરાતે મધ્યમવર્ગ અને ગરીબ વર્ગની ચિંતા વધારી છે. દેશમાં 31 કરોડ જેટલા એલપીજી જોડાણ હોવાનો અંદાજ છે.

ગરીબ પરિવારો માટે ઉજ્જવલા યોજના અંતર્ગત અપાતી સબસિડીનો લાભ છે. ગેસ સિલિન્ડર સસ્તાં છે તેવો દાવો પણ છે. શહેરોમાં પાઈપલાઈનથી ગેસ સુવિધા પ્રાપ્ય હોવાથી સિલિન્ડરની અછત કે કાળાબજાર જેવી સ્થિતિ હવે થતી નથી પરંતુ જે લોકો આ લાભની સીમાથી બહાર છે તેમણે ભાવ વધારાનો સામનો કરવો પડે છે. ગેસના વધતા ભાવની અસર માત્ર રસોડા સુધી સીમિત નથી. હોટલ-ઢાબા, નાનકડા ઉદ્યોગો અને ચા-નાસ્તાની દુકાનો સુધી તેની અસર પહોંચે છે. વ્યાપારી સિલિન્ડરના ભાવમાં પણ વધારાથી નાના વેપારીઓના ખર્ચમાં વધારો થયો છે.

આપણે હજુ પણ પેટ્રોલિયમ ઊર્જા માટે વિદેશી બજાર ઉપર નિર્ભર છીએ તે વાસ્તવિકતા છે. ભવિષ્યમાં પણ જો આંતરરાષ્ટ્રીય સંઘર્ષ ભારતના રસોડાંને ઝંઝોડતો રહેશે. વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો તરફ આપણે વળીએ, સક્રિયપણે સતર્ક થઈએ તે જરુરી છે. સાથે જ ગેસના ભાવ નિયંત્રણ માટે વધુ પારદર્શક નીતિ બને તે પણ એક રસ્તો છે કારણ કે અંતે, વિશ્વના યુદ્ધોનો સૌથી મોટો ભોગ તો સામાન્ય માણસનું રસોડું જ બને છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક