અમેરિકા અને ઈઝરાયલે પહેલીવાર ઈરાનમાં રિફાઈનરીઓને પણ નિશાન બનાવી
ઈરાને
બહેરીનમાં પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ ઉપર બોલાવ્યો હુમલો
ફરી
પાડોશી દેશોમાં ત્રાટકતું ઈરાન: લેબનોનમાં તબાહી મચાવતું ઈઝરાયલ, 83 બાળકો સહિત કુલ
400નાં મૃત્યુ
ઇરાનમાં
નવા સુપ્રીમ લીડરની પસંદગી થઇ ગઇ પણ નામ જાહેર ન કરાયું!
નવીદિલ્હી,
તા.8: ઈરાનમાં વધુ ઘાતક હુમલા કરવાની અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી
બાદ અમેરિકા અને ઈઝરાયલની સેનાએ આ જંગમાં પહેલીવાર ઈરાનનાં ઈંધણ ભંડારો અને રિફાઈનરીઓને
નિશાન બનાવીને હુમલો બોલાવ્યો હતો. બીજીબાજુ પાડોશી દેશોમાંથી હુમલો ન થાય ત્યાં સુધી
હુમલો નહીં કરવાનું જાહેર કરનાર ઈરાને પણ આજે પોતાનાં આ વેણ પાળ્યા નહોતાં અને આજે
બહેરીનમાં કેશ્મ ટાપુ ઉપરનાં જળ શુદ્ધીકરણ મથકમાં જોરદાર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડયું
હતું. આ હુમલો કરીને પાણી માટે તરસતા પ્રદેશમાં ઈરાને હવે ચીલો ચાતર્યો છે. બીજીબાજુ
ઈઝરાયલે લેબનોનમાં ભારે ખાનાખરાબી મચાવી છે. ઈઝરાયલનાં હુમલાઓમાં કુલ 400 લોકોનાં મૃત્યુ
થયા હોવાનું કહેવાય છે. જેમાં 83 બાળકોનો પણ સમાવેશ થાય છે.
બીજીબાજુ
ઈરાનનાં ધાર્મિક માળખાએ દેશનાં આગામી સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) માટે સર્વાનુમત
સાધી લીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કહેવામાં આવે છે કે, અયાતુલ્લા અલી ખામેનીએ
સૂચવેલા માર્ગે જ તેમનાં અનુગામીની પસંદગી કરવામાં આવી છે. જો કે હજી સુધી નામ જાહેર
કરવામાં આવ્યું નથી.
ઈરાનનાં
રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કીયને પાડોશી દેશોની માફી માગીને વધુ હુમલા નહીં કરવાની જાહેરાત
કર્યાના બીજા જ દિવસે આજે ઈરાને કુવૈત, સાઉદી અરેબિયા અને યુએઈમાં ધાબો બોલાવ્યો હતો.
બીજીબાજુ લેબનોનમાં ઈઝરાયલે બૈરુતની એક હોટેલ ઉપર હવાઈ હુમલો કર્યો હતો અને તેમાં
4 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ સાથે લેબનોનમાં ઈઝરાયલનાં ઘાતક હુમલાઓમાં 83 બાળકો સહિત
કુલ 400 લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન
ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનાં સચિવ અલી લારિજાનીએ દાવો કર્યો હતો કે,
આ યુદ્ધમાં અમેરિકાનાં સેંકડો સૈનિકોને ઈરાની દળોએ બંદી બનાવી લીધા છે. જે સચ્ચાઈને
અમેરિકા છૂપાવી રહ્યું છે. લારજાનીએ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં આવો ખળભળાટ મચાવતો
દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમેરિકા આવા યુદ્ધ કેદીઓ મરાયા હોવાની વાતો
ફેલાવી રહ્યું છે.
આ યુદ્ધમાં
પહેલીવાર ઈરાનમાં તેહરાનનાં ઓઈલ ભંડારો ઉપર હુમલો બોલાવી દેવામાં આવ્યો છે. ટ્રમ્પ
અને ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ આશ્ચર્યજનક હુમલા કરવાની ધમકી આપ્યા બાદ
આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈઝરાયલ અને અમેરિકા કહે છે કે, ઈરાનમાં શાસનને અસ્થિર
કરીને સત્તાપરિવર્તન આણવાનો તેમનો ઈરાદો છે.