• રવિવાર, 08 માર્ચ, 2026

અંતિમ વખત અમદાવાદમાં કીવીને ભારતે કારમી હાર આપી

અમદાવાદ, તા. 7 : ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ટી20 વિશ્વકપ 2026નો ખિતાબી મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ન્યુઝિલેન્ડે દક્ષિણ આફ્રિકા અને ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા મેળવી હતી. ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે આ અગાઉ અમદાવાદમાં એક ટી20 મુકાબલો રમાયો છે. પહેલી ફેબ્રુઆરી 2023ના આ મુકાબલો રમાયો હતો. જેમાં ભારતે 168 રનથી જીત મેળવી હતી. આ કોઈપણ ફુલ મેમ્બર દેશની ટી20 ઇન્ટરનેશનલમાં રનોથી સૌથી મોટી હાર હતી.

ભારતે મુકાબલામાં પહેલા બેટિંગ કરતા 4 વિકેટે 234 રન કર્યા હતા. જેમાં શુભમન ગિલે 126 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 અને સૂર્યકુમાર યાદવે 13 બોલમા 24 રન કર્યા હતા ત્યારે કેપ્ટનશીપ કરી રહેલા હાર્દિકે 17 બોલમાં 30 રન કર્યા હતા. બીજી તરફ ભારતીય ફાસ્ટ બોલિંગ સામે ન્યુઝિલેન્ડની ટીમ માત્ર 66 રનમાં સમેટાઈ હતી. જે ભારત સામે તે સમયે કોઈપણ ટીમનો સૌથી નાનો સ્કોર હતો. ફિન એલન, ડેવોન કોનવે, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન અને ડેરેલ મિચેલ જેવા ખેલાડી તે સમયે પ્લેઇંગ ઈલેવનનો હિસ્સો હતા. આ તમામ વિશ્વકપની ટીમમાં સામેલ છે. મેચમાં હાર્દિક પંડયાએ ચાર વિકેટ લીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક