• સોમવાર, 09 માર્ચ, 2026

અમદાવાદમાં ક્રિકેટનો મહાકુંભ : દિવાળી જેવો માહોલ

સ્ટેડિયમમાં 1.30 લાખથી વધુ લોકો ઝ-20 વર્લ્ડ કપની ફાઈલનો રોમાંચ માણવા પહોંચ્યા

સોસાયટી, ક્લબ, ફાર્મ હાઉસમાં વિશાળ ક્રીન ગોઠવીને લોકોએ મેચનો આનંદ માણ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.8: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગનો રંગ સમગ્ર શહેર પર છવાયો હતો. શહેરમાં સવારથી જ જાણે દિવાળી જેવો માહોલ હોય તેવો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો. મોદી સ્ટેડિયમની બહાર જાણે મહાકુંભ હોય તેમ માનવ મહેરામણ ઉમટયો હતો. ટિકિટો માટે છેલ્લી ઘડી સુધી પડાપડી જોવા મળી હતી. કાળા બજારીયાઓએ પણ ક્રિકેટપ્રેમીઓને લૂંટવામાં કોઈ કસર બાકી રાખી નહતી. મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ વર્ષ બાદ આઈસીસી ટૂર્નામેન્ટની મહત્વપૂર્ણ ફાઈનલ મેચ યોજાઈ રહી હોવાથી શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

હાઈપ્રોફાઈલ ફાઈનલ જંગ હોવાથી સ્ટેડિયમની સુરક્ષામાં 2500-3000 પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. સવારથી જ અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઈપીઓની અવર જવર શરૂ થઈ ગઈ હતી. મેચ જોવા માટે મુંબઈ અને દિલ્હીથી વિશેષ ટ્રેન અને ફ્લાઈટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એરપોર્ટ પર સંખ્યાબંધ ચાર્ટર ફ્લાઈટ્સનો ધમધમાટ પણ જોવા મળ્યો હતો. બપોરથી શહેરના બધા રસ્તાઓ પર સુનકાર ભાસી રહ્યો હતો. લોકોનું એક જ લક્ષ્ય મોટેરા વિસ્તારમાં આવેલું વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પહોંચવાનું જણાતું હતું. સિટી બસ, બીઆરટીએસ બસ,  મેટ્રો અને ખાનગી વાહનો મારફતે લોકો મેચ શરૂ થવાની ચાર-પાંચ કલાક પહેલા જ સ્ટેડિયમ પર પહોંચ્યા હતા.

પૂર્વ ભારતીય કેપ્ટન અને આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026નો બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા તેની પત્ની સાથે સવારે અમદાવાદ આવી પહોંચ્યો હતો. જ્યારે બીજીતરફ ભારતને ટી-20 અને વનડે  વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની પણ અમદાવાદના આંગણે પધાર્યો હતો. મોદી સ્ટેડિયમ સાંજે 1.30 લાખ લોકોની હાજરીથી ખચોખચ ભરાઈ ગયું હતું. જ્યાં નજર કરો ત્યાં ભારતીય ટીમની વાદળી રંગની જર્સીમાં લોકો જોવા મળી રહ્યા હતા.

ફાઈનલ મેચની ટિકિટના સાટિંગ માટે ચાહકોએ મોડી સાંજ સુધી રઝળપાટ કરી હતી. જો કે પોલીસે કાળાબજારીયાઓ પર પણ કડક નજર રાખી હોવાથી આઠથી વધુ કેસ થયા હોવાનું જણાયું હતું. 2,000 અને 3,000ની ટિકિટનો ભાવ 80,000-1,00,000 લાખ જેટલો બોલાયો હોવાનું સૂત્રો પાસેથી જણાયું હતું. કેટલાક દર્શકોએ ઓનલાઈન ટિકિટ બાકિંગ કરાવી હોવા છતાં અંદર પ્રવેશ મળ્યો નહતો. ઓનલાઈન ટિકિટ ખરીદવા જતા ઠગાઈનો ભોગ બન્યા હોવાની જાણ થતા ક્રિકેટપ્રેમીઓ નાસીપાસ થઈને પરત ફર્યા હતા. રવિવારનો દિવસ હોવાથી લોકોએ સોસાયટીઓ, ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં પ્રોજેક્ટર ગોઠવીને મોટી ક્રીન પર ફાઈનલ મેચ જોવાનો આનંદ માણ્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

બગવદર કિંદરખેડા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, યુવક સહિત ત્રણ ઘાયલ March 09, Mon, 2026