• મંગળવાર, 10 માર્ચ, 2026

એકતા અને અભિગમની જીત

આપણી રાષ્ટ્રીય રમત ભલે કબડ્ડી હોય પરંતુ દેશના બૃહદ જન સમુદાયને અતિપ્રિય એવો ખેલ તો ક્રિકેટ જ. રવિવારે સાંજે ફરી આ રમત લાખો દેશવાસીઓ માટે ઉત્સવનું માધ્યમ બની ગઇ. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તો ઝળાંહળાં હતું જ પરંતુ ટી-20 વિશ્વકપના અંતિમ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ વિજેતા થઇ, આખા દેશમાં એક વિજયોત્સવ શરૂ થયો.

શહેરોના માર્ગ ઉપર રાષ્ટ્રધ્વજ સાથે હજારો માણસો નીકળી પડયા 2024ના વિશ્વકપના પરિણામ પછી ભારત આ ઇતિહાસનું પુનરાવર્તન કરશે તેવી ઉક્તિઓ વહેતી થઇ. યજમાન ટીમ ઘરઆંગણે વિજયી થઇ તે પ્રથમવાર બન્યું. ભારત ક્રિકેટ વિશ્વમાં મહાસત્તા છે તેવું નક્કી થયું. ભારતની ક્રિકેટ ટીમનું આ ‘ક્ષમતા પ્રદર્શન’ હતું ઐકયનો આ પુરાવો છે. આ વિજય સાવ સાધારણ ઘટના નથી, અહીં અનેક પરિબળો, પરિમાણો છે જેને લીધે આ પરિણામ આવ્યું છે.

ટી-20 વર્લ્ડ કપની ટ્રૉફી જાળવવામાં આ પહેલાં કોઈ ટીમને સફળતા મળી નથી. વ્યક્તિગત સિદ્ધિઓ અને કામગીરી સાથે એક એકમ તરીકે ટીમે જે રીતે આ ટુર્નામેન્ટમાં પ્રગતિ કરી છે, એ શક્ય બન્યું કેમ કે બીસીસીઆઇએ માળખાકીય સુવિધાઓ, ખેલાડીઓને તૈયાર કરવા માટેના તંત્ર અને લાંબા ગાળાનો વિચાર કરી ફેરફારો કર્યા છે. આજે બીસીસીઆઇ ક્રિકેટ વિશ્વમાં સૌથી ધનાઢ્ય બોર્ડ છે, તે માત્ર નાણાકીય દૃષ્ટિએ નહીં, ખેલાડીઓની સંખ્યાકીય અને ગુણવત્તાના મોરચે વિપુલતાને પણ આભારી છે.

ઝડપી બૉલર જસપ્રીત બુમરાહ ભારતીય ક્રિકેટને મળેલી કદાચ સૌથી મૂલ્યવાન ભેટ છે. ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી, પણ મહત્ત્વની મૅચોમાં નિર્ણાયક ક્ષણોમાં તેની બાલિંગને કારણે ભારતને વ્યૂહાત્મક લાભ મળ્યો. કમરની ઈજા બાદ જે રીતે તેને ટીમ મૅનેજમેન્ટ મહત્ત્વની શ્રેણીઓમાં રમાડે છે અને તે ઈજાગ્રસ્ત ન થાય એનું ધ્યાન રાખી આરામ આપે છે. આની કલ્પના આજથી દસેક વર્ષ પહેલાં થઈ શકે એમ નહોતી. કેટલાક ઝડપી બૉલરો ઈજાઓને કારણે અને બેફામ ઉપયોગને કારણે વેડફાઈ ગયા છે. આવું જ ટીમ કૉમ્બિનેશન બાબતે અને નિષ્ફળ જઈ રહેલા ખેલાડીઓને સાતત્યપૂર્વક તક આપવાના મોરચે પણ જોવા મળે છે. ફૉર્મ હંગામી હોય છે, ક્લાસ જ કાયમી હોય છે, એ પથ્થર પરની લકીર જેવું સત્ય હોવા છતાં એક-બે મૅચમાં ઊણા ઊતરનાર ખેલાડીઓને બેસાડી દેવાનો ટ્રેન્ડ હવે જોવા મળતો નથી. અૉપનર અભિષેક શર્મા અને સ્પિનર વરુણ ચક્રવર્તીના કિસ્સામાં વર્લ્ડ કપમાં જોવા મળ્યું જ છે. એ જ રીતે વર્તમાનમાં સારી કામગીરી કરનાર ખેલાડીને તેની ભૂતકાળની ભૂલોને કારણે નજરઅંદાજ કરવાની વૃત્તિ પણ બોર્ડે છોડી છે અને આથી ઈશાન કિશન ટીમમાં છે. અક્ષર પટેલ વાઇસ-કૅપ્ટન હોવા છતાં તેને ટીમમાંથી પડતો મુકાયો, પણ એ ભૂલ સમજાતાં તેને ફરી તક મળી, એ દેખાડે છે કે ટીમનું હૃદય અને મગજ યોગ્ય જગ્યાએ છે. ભાગ્યે જ જેના ચહેરા પર સ્મિત જોવા મળે છે, એવા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના નિર્ણયોની સોશિયલ મીડિયાના યુગમાં ટીકા ઘણીવાર મર્યાદા વટાવી જતી હોવાનું જોવા મળ્યું છે, પણ ફાઇનલ મૅચ પછી ગંભીરે આ ટ્રૉફી પોતાના પૂર્વસૂરિ કોચ રાહુલ દ્રવિડ તથા બીસીસીઆઇના સેન્ટર અૉફ એક્સલન્સના વડા વીવીએસ લક્ષ્મણને સમર્પિત કરતાં કહ્યું કે ભારતીય ટીમ આજે જે સ્થિતિમાં છે, એમાં આ બંનેનું યોગદાન ખાસ્સું મોટું છે. ટૂંકમાં, આ જીત ખેલાડીઓની તો છે જ, પણ તેમની પાછળ જે તંત્ર કે માળખું કામ કરે છે, એનો એમાં સૌથી મોટો હાથ છે.

દક્ષિણનાં રાજ્યોમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ

અૉસ્ટ્રેલિયાના પગલે ચાલી દક્ષિણ ભારતનાં બે રાજ્યો આંધ્ર પ્રદેશ અને કર્ણાટકે 13 વર્ષથી નીચેની વયનાં બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. બન્ને રાજ્યોની વિધાનસભામાં મુખ્ય પ્રધાન અનુક્રમે એન. ચંદ્રાબાબુ નાયડુ અને સિદ્ધારમૈયાએ આ પ્રતિબંધની જાહેરાત ગયા અઠવાડિયે કરી. કર્ણાટકમાં 16 વર્ષની વયથી નીચેના અને આંધ્રમાં 13થી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર બૅન મૂકવામાં આવ્યો છે. નાયડુ તો આ પ્રતિબંધ આગામી 90 દિવસની અંદર અમલમાં મૂકવા કટિબદ્ધ છે. સરકારનો વિચાર સારો છે અને સોશિયલ મીડિયાની માદક પદાર્થ જેવી લત અને તેના કારણે બાળકો-કિશોરોની થતી હાલત તથા ભવિષ્યની ચિંતાને પગલે લેવાયેલો આ નિર્ણય આવકારદાયક છે. ભારત સરકાર પણ આ મોરચે છેલ્લા થોડા સમયથી ગંભીરતાથી વિચાર-ચર્ચા કરી રહી છે. વિશ્વના અનેક દેશોમાં 16 વર્ષથી નીચેનાં બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર બૅન વિશે મનોમંથન ચાલી રહ્યા છે. જોકે, દક્ષિણ ભારતનાં બે રાજ્યોએ પ્રતિબંધનો વિચાર તો વહેતો મૂક્યો છે, પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે, જેના જવાબ સરકારો આપી શકી નથી. સૌથી પહેલાં તો આ પ્રતિબંધનો અમલ કેવી રીતે થશે? એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. ન તો બેમાંથી એકપણ રાજ્યએ આના માટે કોઈ કાયદો ઘડયો છે કે ન તો પ્રતિબંધના અમલીકરણ માટે કોઈ વ્યવસ્થાતંત્રની રચના કરાઈ છે અને આ બૅન કામ કેવી રીતે કરશે એ વિશે કોઈ રોડમેપ પણ જાહેર કરાયો નથી. આ બધાથી મોટો પડકાર એ બંધારણીય છે. ઈન્ફોર્મેશન ટેક્નૉલૉજી સાતમા અનુચ્છેદમાં આવે છે, આથી તે કેન્દ્ર સરકાર-સંસદના કાર્યક્ષેત્રમાં આવે છે, રાજ્યોની વિધાનસભાના દાયરામાં નહીં. ડિજિટલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ, 2023 હેઠળ વિવિધ સોશિયલ મીડિયા મંચ માટે બાળકોના ડેટા મેળવવા કે તેના પર પ્રોસાસિંગ કરવા માટે ચકાસી શકાય એ પ્રકારે વાલીઓની પરવાનગી લેવાનું ફરજિયાત બનાવાયું છે. આથી, રાજ્ય સ્તરે કાયદો ઘડવામાં આવે તો પણ કેન્દ્રીય કાયદાકીય માળખા સાથે તે સીધા સંઘર્ષમાં હશે. ટેક્નૉલૉજી સંબંધી પડકારોનો તો આખો એવરેસ્ટ છે, જેમાં સૌથી મહત્ત્વનો અંતરાય છે, વયની ચકાસણી કેવી રીતે કરવી એનો. વળી, ટેક્નૉલૉજી સાથે હંમેશાં પાછલું બારણું આવતું હોય છે અને આવી નબળી કડી શોધી કાઢી કાયદાને ચાતરી જવામાં આમ પણ માનવ મગજ બહુ ઝડપથી ચાલતું હોવાનું વારંવાર પુરવાર થયું છે. આશય સારો હોવા છતાં વાસ્તવિક મુશ્કેલીઓ જોતાં રાજ્યો આ દિશામાં ખાસ પ્રગતિ કરી નહીં શકે. હા, કેન્દ્ર સરકાર આ દિશામાં આગળ વધે તો કેટલીક મર્યાદાઓનો અંત આવશે, પણ એ પછી નવા પડકારો ઊભા થશે.

ઇ-પેપરના નવા શુલ્ક