• શુક્રવાર, 20 માર્ચ, 2026

વન ડે વિશ્વ કપ સુધી અગરકર મુખ્ય પસંદગીકાર પદે પર રહેવા ઇચ્છુક કરાર વધારવાની માગ કરી : BCCI ટૂંક સમયમાં નિર્ણય લેશે

મુંબઈ, તા.19 : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે તેમનો કાર્યકાળ 2027 વન ડે વર્લ્ડ કપ સુધી વધારવાની બીસીસીઆઈને વિનંતી કરી હોવાના રિપોર્ટ છે. અગરકરના કાર્યકાળ દરમિયાન ટીમ ઇન્ડિયાએ ત્રણ આઇસીસી ખિતાબ- (ટી-20 વર્લ્ડ કપ-2024, ચેમ્પિયન્સ ટ્રોફી-202પ અને ટી-20 વર્લ્ડ કપ-2026) જીત્યા છે. આ ઉપરાંત એશિયા કપ પણ જીત્યો છે. બીસીસીઆઇએ અગાઉ પણ અગરકરનો મુખ્ય પસંદગીકાર તરીકેનો કાર્યકાળ વધાર્યો હતો. 2027નો વન ડે વિશ્વ કપ ભારતીય ટીમ જીતે તે અગરકરનું લક્ષ્ય છે.

અજીત અગકરકરનો કરાર બીસીસીઆઇએ અગાઉ 202પ માર્ચમાં એક વર્ષ માટે વધાર્યો હતો. હવે ઘરઆંગણે ટી-20 વિશ્વ કપમાં ટીમ ઇન્ડિયાની જીત પછી આ ટીમ પસંદ કરનાર સમિતિના વડા અગરકરે આગામી 2027 વન ડે વિશ્વ કપ સુધી આ જવાબદારી જાળવી રાખવાની ઇચ્છા વ્યકત કરી છે. જો કે આ મામલે હજુ સુધી બીસીસીઆઇના પ્રમુખ મિથુન મિન્હાસ કે સેક્રેટરી દેવજીત સૈકિયાએ કોઇ પ્રતિક્રિયા આપી નથી. જો કે એવી ખબર છે કે બીસીસીઆઇ આ મુદ્દા પર ગંભીરતાથી વિચારી રહી છે.

અગરકરના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમને લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં સારી સફળતા મળી છે, પણ ટેસ્ટ ક્રિકેટમાં ધાર્યાં પરિણામ મેળવી શકી નથી. ટીમ ઇન્ડિયા ઘરઆંગણે બે શ્રેણી ન્યુઝીલેન્ડ અને આફ્રિકા સામે હારી છે. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ ગુમાવી હતી.

તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન થયા બાદ કોચ ગંભીર અને કપ્તાન સૂર્યકુમારે ચીફ સિલેક્ટર અજીત અગરકરના વિઝનની પ્રશંસા કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક