• શુક્રવાર, 20 માર્ચ, 2026

સૌરાષ્ટ્રમાં ચૈત્રના આરંભે લૂની નહીં કરાની વર્ષા...

ચોમાસામાં સારા વરસાદથી ખેડૂતોમાં હરખ બેવડાયો હતો, પરંતુ પાછોતરા વરસાદે તૈયાર પાક ઉપર પાણી ફેરવતા ખેડૂતોને

મુખે આવેલો કોળીયો છીનવાયો હતો. હવે શિયાળું પાક પણ સારો થયો હતો અને આજે સૌરાષ્ટ્રમાં ભરઉનાળે બપોરે અંધારપટ્ટ છવાતા ધરતીપુત્રો ચિંતાતુર થઈ ગયા હતા. થોડી જ મિનિટોમાં વાવાઝોડા અને માવઠારૂપી આફત વરસતા ઠેર ઠેર ચણા, ધાણા, વરીયાળી, ડુંગળી, જીરું સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સાંજે 5 વાગ્યામાં અંધાર છવાતા વિઝિબિલિટી ઘટી હતી અને વાહનચાલકોએ દિવસે હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. વાવાઝોડાને કારણે અનેક સ્થળે વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થતાં અંધકાર છવાયો હતો. અમુક સ્થળે મોબાઈલ ટાવર પણ પડી ગયા હતા. પાલીતાણામાં વૃક્ષની ડાળી પડતા પરપ્રાંતિય આધેડનું મૃત્યુ નિપજ્યું હતુ તો ઉપલેટા નજીકના પ્રાસલા ગામે વીજળી પડતા ત્રણ લોકોને ઈજા થઈ હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન જામનગર પંથકમાં થયું છે. શહેરી વિસ્તારમાં 20 વીજપોલ, બે મોબાઈલ ટાવર, 13 વૃક્ષ, એલીવેશન કાચ, સોલાર પેનલો, મંડપ તૂટી ગયા હતા. શહેરના 75 ટકા વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો હતો.

 

દેશના અનેક રાજ્યમાં વરસાદ-કરાથી નુકસાન

 

રાજસ્થાનમાં બે ભાઈનાં મોત : હરિયાણામાં માર્ગો ડૂબ્યા : મધ્યપ્રદેશમાં કરા પડયા

ભોપાલ, તા. 19 : દેશના અનેક હિસ્સામાં મોસમમાં અચાનક આવેલા પલટા વચ્ચે રાજસ્થાનના સીકરમાં સતત બીજા દિવસે વરસાદ પડવા સાથે કરા પડયા હતા, જેમાં બે ભાઈનાં મોત થયાં હતાં, તો મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, નાગાલેન્ડ સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ-બરફવર્ષા થઈ હતી.

એક મીડિયા હેવાલ મુજબ, સતત બે દિવસથી રાજસ્થાનમાં પડી રહેલા વરસાદ-કરાના કારણે ભારે નુકસાન થયું છે, તો જેસલમેરમાં બે ભાઈનાં મોત થયાં હતાં. બીજી તરફ મધ્યપ્રદેશમાં ભોપાલ, ઈન્દોર-ગ્વાલિયર સહિત 33 જિલ્લામાં તોફાન સાથે વરસાદ પડયો હતો, જ્યારે 3 જિલ્લામાં કરાનું એલર્ટ?અપાયું હતું. હવામાન વિભાગે ત્રણ દિવસની આગાહી આપી છે.

તે ઉપરાંત હરિયાણાના રેવાડીમાં રાત્રે થયેલા ભારે વરસાદ સાથે કરા પડયા હતા, જ્યારે માર્ગો પર પાણી ભરાયાં હતાં. તોફાનના કારણે હોર્ડિંગ્સ પણ ઊડી ગયા હતા. તાપમાન પણ નીચું આવી ગયું હતું અને હજુ પણ પારો નીચે સરકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથૌરાગઢ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ હતી, જ્યારે હિમાચલના ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લામાં તોફાન તેમજ ગાજવીજ સાથે વરસાદ-કરા પડયા હતા.

નાગાલેન્ડમાં પણ તોફાની પવન ફુંકાયો હતો અને વરસાદ પણ પડયો હતો, જેના કારણે 46 પરિવાર અસરગ્રસ્ત થયા હતા. ચુમૌકેડિયા અને પેરેન જિલ્લામાં અનેક ઘરો અને વીજળી થાંભલાને નુકસાન થયું હતું. મોન જિલ્લાની એક સરકારી શાળાને પણ ક્ષતિ પહોંચી હતી, જેથી મિડ-ડે મીલને અસર પહોંચી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક