હજી હમણા સુધી નોબેલ શાંતિ પુરસ્કાર માટે પોતાને યોગ્ય માનતા રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે સમૃદ્ધ આરબ દેશોને ઈરાન સામેના જંગમાં ભડકે બળતાં રણમેદાનમાં પરિવર્તિત કરી રહ્યા છે, ત્યારે દુનિયામાં જંગ સમાપ્ત કરવાની પોતાની સફળતાની ડંફાસોને વિસરી ગયા છે. સ્વાભાવિક રીતે આખી દુનિયાની ઉચાટ નજર ઈરાનની સામે અમેરિકા અને ઈઝરાયલનાં યુદ્ધની ઉપર મંડાયેલી છે, ત્યારે ટ્રમ્પને વિશ્વના દેશો રશિયા અને યુક્રેન વચ્ચેના જંગના અંતની વાત પણ કરતા જણાતા નથી. આવા સંજોગોમાં ભારતના પડોશમાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કરીને પોતાનો નાપાક ઈરાદો છતો કરી દીધો છે.
દુનિયાની
નજર આરબ દેશોની સ્થિતિ પર મંડાયેલી ત્યારે કોઈને પણ અફઘાનિસ્તાન પર આંતરરાષ્ટ્રીય નિયમો
અને માનવ અધિકારોના સિદ્ધાંતોના ઉલ્લંઘન સમાન પાકિસ્તાનના હવાઈ હુમલા તરફ ધ્યાન આપવાનો
કોઈ સમય જ ન હોય તેવો તાલ સર્જાયો છે. હાલત એવી છે કે, યુક્રેન તેના પર રશિયાએ વધારેલા
હુમલા પર દુનિયા ધ્યાન આપતી ન હોવાની ફરિયાદ કરે છે, તો પાકિસ્તાનના હવાઈ હુમલામાં
નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યાની તાલિબાન ફરિયાદ કરે છે.
આમ
તો છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાનના શાસક તાલિબાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં દુશ્મનાવટની
કડવાશ સતત વધતી રહી છે. સરહદે નાના છમકલાં હવે પાકિસ્તાન દ્વારા વ્યાપક હવાઈ હુમલામાં
પરિણમ્યાં છે. ગયા મહિનાની આખરમાં પાકિસ્તાને એકતરફી ખુલ્લાં યુદ્ધની જાહેરાત કરીને
કાબુલ અને કંદહાર સહિત સંખ્યાબંધ વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા હતા. તાલિબાને આરોપ
મૂક્યો છે કે, આ હુમલામાં સંખ્યાબંધ લોકોનાં મોત થયાં છે. આમ તો તાલિબાન પણ વળતા હુમલા
કરી રહ્યું છે, પણ પાકિસ્તાનની સરખામણીએ તેમની લશ્કરી તાકાત મર્યાદિત હોવાથી આ હુમલા
પણ બહુ મર્યાદિત રહ્યા છે. હાલત એવી થઈ છે કે, પાકિસ્તાન અને અફઘાન-તાલિબાન વચ્ચેના
સંઘર્ષને લીધે સરહદની બન્ને બાજુએ રહેતા સામાન્ય લોકોની હાલત વધુ કફોડી બની રહી છે.
દાવા મુજબ પાકિસ્તાનના આ હુમલામાં 1પ0થી વધુ અફઘાન નાગરિકોનાં મોત થયાં છે. સંયુક્ત
રાષ્ટ્રસંઘના એક અંદાજ મુજબ લગભગ 1.14 લાખ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
ભારતે
સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં પાકિસ્તાનના આ અમાનવીય હવાઈ હુમલાની આકરી ઝાટકણી
કાઢી છે, પણ વિટંબણા એ છે કે, રશિયાએ યુક્રેન પર, ઈઝરાયલે ગાઝા પર અને હવે ઈરાન પર
અમેરિકાના હુમલાએ બતાવી આપ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિતની વૈશ્વિક સંસ્થાઓ અને
તેમના નિયમોનો કોઈ અર્થ કે અસ્તિત્વ રહ્યા નથી. આવા સંજોગોનો લાભ લેવામાં પાકિસ્તાન
ભારે પાવરધું છે અને તેણે તેની પ્રકૃતિ મુજબ અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા શરૂ કર્યા છે.
વિશ્વે દુનિયાના આ ખૂણા તરફ પણ ધ્યાન આપવાની ખાસ જરૂરત છે.