• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

મહિલા અનામત ખરડો, શોર શમ્યો, પડઘાની પ્રતીક્ષા

ભારતની સંસદમાં મહિલા અનામત ખરડાની આગળ ઐતિહાસિક શબ્દ લાગવાનો હતો તેનો સંદર્ભ બદલાઈ ગયો છે અને વર્તમાન સરકારમાં પહેલી વખત એવું બન્યું છે કે, આટલી બહુમતી છતાં કોઈ ખરડો પસાર થઈ શક્યો નથી. જો કે, વિપક્ષ અત્યારે ગૃહમાં તેને પોતાની જીત માને છે પરંતુ રાજકીય સંદર્ભે આગામી સમયમાં તેના પ્રત્યાઘાતો અને પરિણામો વધારે સ્પષ્ટ થશે. રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ગુજરાત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે. આ ચૂંટણીમાં જ મહિલા અનામત ખરડાના પરિણામ જોવા મળે તો પણ નવાઈ નહીં.

છેલ્લા બે દિવસથી લોકસભામાં મહિલા અનામત સુધારા દિન એટલે કે, 131મા બંધારણીય સુધારા ઉપર ચર્ચા ચાલુ હતી. જે રીતે સરકારે આ ખરડાને દેશ સમક્ષ મુક્યો હતો અને સંસદમાં ચર્ચા કરી હતી તે જોતા તે પસાર થઈ જશે તેવું લાગતું હતું પરંતુ વિપક્ષે પ્રથમ દિવસે ઘણા સવાલ કર્યા અને બીજા દિવસે ચર્ચા પણ કરી. બીલના પક્ષમાં 298 સાંસદોએ મતદાન કર્યું હતું. જ્યારે 230 સાંસદોએ વિરૂદ્ધમાં મત આપ્યો. 528 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો હતો. બીલ પસાર થવા માટે 326 મતની જરૂર હતી. આ લક્ષ્યાંક પ્રાપ્ત થઈ શક્યો નહીં અને ખરડાને તે રીતે લોકસભામાં બહાલી મળી શકી ન હતી. સરકારની મનસા હતી કે, 2029ની લોકસભાની ચૂંટણીથી મહિલાઓ માટે 33% અનામત અમલી બનાવવી.

સંસદના નીચલા ગૃહમાં આ ખરડો પસાર થઈ શક્યો નહીં તેની સાથે જ સીમાંકનનો પણ મુદ્દો ચર્ચામાં હતો. રાજકીય દૃષ્ટિકોણને બાજુ પર રાખીને વાત થાય તો સીમાંકન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીએ કરેલી ચર્ચા યોગ્ય પણ હતી. હવે લોકસભા બેઠકોનું સીમાંકન સમયની માંગ છે. વડાપ્રધાને પણ આ પ્રક્રિયામાં કોઈ પક્ષપાત નહીં થાય તેવી ખાતરી આપી હતી પરંતુ મહિલા અનામતની સાથે આ ખરડો પણ રોકાઈ ગયો છે. 2014 પછી ગૃહમાં વિપક્ષનો અવાજ આટલો બુલંદ કદાચ પ્રથમ વખત સંભળાયો છે પરંતુ તેના પડઘા વધારે મહત્વના છે. મહિલાઓની લાગણી અનામત બિલ માટે વધારે હતી. ખરડો પસાર ન થઈ શક્યો તેના પ્રત્યાઘાત ચાલી રહેલી ચૂંટણીના પરિણામો ઝીલે છે કે નહીં તે મહત્વનું છે. શક્ય છે કે, પ્રચારમાં પણ આ મુદ્દો ઉમેરાઈ જશે. જો કે, રાજકીય રીતે આ બાબતને જોવામાં ન આવે તો સીમાંકનનું પુન: મૂલ્યાંકન જરૂરી છે. હવે આ દિશામાં જ્યારે આગળ વધી શકાય ત્યારે સાચું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક