• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

પહેલગામ : ભારતને યૂરોપનું સમર્થન

બર્બર હુમલાની પહેલી વરસીએ યૂરોપિય સંઘના 27 દેશોની મૃતકોને અંજલિ, કાશ્મીરમાં સુરક્ષા વધારાઇ

નવી દિલ્હી, તા. 22 : પહેલગામ આતંકવાદી હુમલાને બુધવારે એક વર્ષ પુરૂં થયું છે, ત્યારે 26 નિર્દોષોનો ભોગ લેનાર અમાનવિય કૃત્યની   પહેલી વરસીએ યૂરોપિય સંઘ અને   તેના 27 સભ્ય દેશોએ ભારતને સમર્થન જાહેર કરતાં આતંકવાદની ટીકા કરી હતી અને પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પહેલી વરસીએ કાશ્મીરના તમામ પર્યટન સ્થળો પર સુરક્ષા વધારી દેવાઇ હતી. સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ  પર છે.

યૂરોપિય સંઘે સત્તાવાર નિવેદન કરતાં કહ્યું હતું કે, ભારતમાં થયેલા એ આતંકવાદી હુમલાને કદી પણ યોગ્ય ન ઠરાવી શકાય.

આતંકવાદ સામે લડાઇમાં અમે ભારતની સાથે છીએ, તેવું યૂરોપિય સંઘે જણાવ્યું હતું. નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા કોઇપણ પરિસ્થિતિમાં સ્વીકાર્ય નહતા.

દુનિયાભરના દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. યૂકેના દૂતાવાસે આતંકવાદની ટીકા કરી હતી. ઇઝરાયલના વિદેશમંત્રી નિદોન સારે કહ્યું હતું કે, અમે આતંકવાદ સામે લડતમા ભારત સાથે છીએ.

ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ન્યાય જરૂર મળશે. ભારત વિરોધી હિંસક કૃત્યનો જડબાતોડ જવાબ અપાશે. ઓપરેશન સિંદૂર જારી છે.

મોદી આવતા મહિને કરશે યુરોપ યાત્રા

યુરોપિયન દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની દિશામાં કવાયત

નવી દિલ્હી, તા. 22 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને એટલે કે મેના મધ્યમાં યુરોપની એક અઠવાડિયાની મહત્ત્વપૂર્ણ યાત્રાએ જવાના છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ યુરોપિયન સંઘ સાથે વ્યાપારિક અને રણનીતિક સંબંધોને વધારે મજબૂત કરવાનો અને મહાદ્વીપ સાથે ભારતની વધતી ભાગીદારીને નવી દિશા આપવાનો છે.

મોદીની યાત્રાનો એક પ્રમુખ પડાવ નોર્વેની રાજધાની ઓસ્લોથી થશે. જ્યાં તેઓ ત્રીજા ભારત-નોર્ટિક શિખર સંમેલનમાં ભાગ લેશે.  આ સંમેલનમાં સ્વીડન, ડેનમાર્ક, આયર્લેન્ડ અને ફિનલેન્ડના નેતા પણ સામેલ થશે. નોર્વે ઇએફટીએનું મહત્ત્વપૂર્ણ સભ્ય છે. ઇએફટીએ હેઠળ યુરોપિયન દેશોએ ભારતમાં આગામી 15 વર્ષમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવાનું વચન આપ્યું છે.

ઓસ્લોમાં થનારી દ્વિપક્ષીય બેઠકોમાં ગ્રીન એનર્જી, જળવાયુ પરિવર્તન, બ્લ્યૂ ઇકોનોમી, ઇનોવેશન, ડિજીટલાઇઝેશન અને આર્કટિક ક્ષેત્રમાં સહયોગ ઉપર વિસ્તારથી ચર્ચા થશે. ઓસ્લો બાદ પીએમ મોદી નેધરલેન્ડ જશે. ગયાં વર્ષે અમુક કારણોથી ટાળવામાં આવેલા કાર્યક્રમ અને બેઠકોની તારીખોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યુyં છે. જેથી બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરી શકાય.

પીએમ મોદીના કાર્યક્રમમાં ઈટાલી પણ સામેલ છે. જે ઈટાલીની પહેલી દ્વિપક્ષીય યાત્રા હશે. ઈટાલીના પીએમ જોર્જિયા મેલોની સાથે તેમની ચર્ચાનું મુખ્ય કેન્દ્ર રક્ષા, ઊર્જા અને રોકાણ સંબંધિત મુદ્દા રહેશે. વધુમાં પીએમ મોદી વેટિકન સિટીનો પ્રવાસ કરીને ઈસાઈ ધર્મગુરુ પોપ સાથે મુલાકાત કરે તેવી પણ સંભાવના છે. 

ઇ-પેપરના નવા શુલ્ક